ગુજરાતમાં 'જ્ઞાન સહાયક યોજનાનો અમલ ન થાય ત્યાં સુધી 'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રખાશે
સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં 17174 શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર બદલીનો લાભ લીધો
પ્રવાસી શિક્ષક યોજનાને છ માસ અથવા જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રખાશે
અમદાવાદઃ સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયક નિમાશે. તે ઉપરાંત રાજ્ય સરકારે શાળાઓમાં ખેલ સહાયક યોજના પણ અમલમાં મુકી છે. તે ઉપરાંત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. પરંતુ હવે જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી 'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રાખવાનો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં લેવાયો છે.
'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રાખવાનો નિર્ણય કરાયો
કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 'જ્ઞાન સહાયક યોજના'નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં 'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું હતું કે,સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકી નહીં તે માટે તાસ દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવા 'પ્રવાસી શિક્ષક યોજના'ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
17174 શિક્ષકોએ પારદર્શક બદલીનો લાભ લીધો
ઋષિકેશ પટેલે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓની વિગતો આપતાં કહ્યું હતું કે,રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પનું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 17174 શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી 26 થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 12 હજાર કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે.
આ પ્રકારની કેટેગરીમાં શિક્ષકોને બદલીનો લાભ મળ્યો
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં ગંગા સ્વરૂપા/વિધુર કેટેગરીમાં 344, દિવ્યાંગ કેટેગરી 174 ,પ્રાથમિક શિક્ષક દંપતી 1380, સરકારી દંપતી 320,અનુદાનિત દંપતિ 139,વાલ્મિકી અગ્રતા 83, સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ 14258 તેમજ મૂળ શાળા પરતનો લાભ 476 એમ કુલ 17174 શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે.