વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ
ખોદકામ કરતા જમીનમાંથી વરાળ નીકળીે
ફાયર બ્રિગેડને જાણ કરતા દોડી આવી ખોદકામ કર્યું પરંતુ ટાઈલ્સ ગરમ થવાનું કારણ અકબંધ
સુરેન્દ્રનગર - વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર નવકાર સોસાયટીમાં એક મકાનમાં અમુક ટાઈલ્સો ગરમ થઈ જતા ફાયર ફાયટર ટીમને જાણ કરાઇ હતી. ફાયટર ટીમ સ્થળ પર પહોંચી ખોદકામ હાથ ધર્યું હતું પરંતુ ટાઈલ્સ ગરમ થવાનું સાચું કારણ અકબંધ રહેતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર નવકાર સોસાયટી-૧મા રહેતા દલપતભાઈ પરમારના મકાનના ફળીયાનો અમુક ભાગ તેમજ શૌચાલયની ટાઈલ્સ અગમ્ય કારણોસર અચાનક ગરમ થઈ જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગરમ થયેલી ટાઈલ્સ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યા બાદ પણ થોડી મિનિટોમાં ફરી ટાઇલ્સ ગરમ થઈ જતા મકાન માલિકે મનપાની ફાયર ફાયટર ટીમ તેમજ અધિકારીઓને જાણ કરતા ફાયર ફાયટર ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.
જે ટાઈલ્સ ગરમ થતી હતી તે ટાઈલ્સ સહિત આસપાસના ભાગ ઉખેડવામાં આવ્યો હતો. પરંતુ ટાઈલ્સ ઉખેડયા બાદ પણ કોઈ કારણોસર જમીનમાંથી વરાળ સ્વરૃપે ધુમાડા નીકળતા હતા અને જમીનનો અમુક ભાગ પણ ગરમ જણાઈ આવ્યો હતો. જ્યારે સમગ્ર સોસાયટીમાં માત્ર એક જ મકાનમાં આ પ્રકારનો બનાવ બનતા આસપાસના પાડોશીઓમાં પણ આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયુ હતું. જ્યારે મકાનમાં શા માટે અને કયા કારણોસર ટાઈલ્સ ગરમ થઈ રહી છે તે અંગે સાચું કારણ હાલ જાણવા મળ્યું નહોતું અને તે અંગેનું રહસ્ય પણ અકબંધ જોવા મળ્યું છે.