ખંભાતના દરિયાકાંઠે ચૂસ્ત બંદોબસ્ત ગ્રામજનોને સતર્ક રહેવા માટે સૂચના
- ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિના પગલે
- 7 પોઇન્ટ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, દરિયાઇ ચેકપોસ્ટ પર 24 કલાક બંદોબસ્ત તૈનાત કરાયો
આણંદ : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ગુજરાતમાં તંત્ર સાબદુ બન્યું છે. આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના ગામોના લોકોને સતર્ક રહેવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતના સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સાથે સાથે ગઈકાલ મોડી રાત્રે ભુજ નલિયા સહિત સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ કરાયું હતું.
આણંદ જિલ્લાનો ખંભાતનો દરિયા કાંઠો પણ સરહદી વિસ્તાર ગણવામાં આવતો હોવાથી હાલ ખંભાતના દરિયા કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
સાગર રક્ષક દળ અને પોલીસની વિવિધ ટીમો દ્વારા છથી સાત પોઇન્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે વિવિધ પોલીસ પોઇન્ટ ઉપર ચેકિંગ હાથ ધરાયું છે વિશેષમાં દરિયાઈ ડંકો ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ૨૪ કલાક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
આ અંગે ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક એસ બી કુંપાવત ના જણાવ્યા મુજબ, ખંભાતના દરિયાકાંઠાના ગામોમાં નાઈટ પેટ્રોલિંગ ચાલી જ રહ્યું છે સાથે સાથે સાંજના પાંચથી રાત્રિના આઠ કલાક દરમિયાન પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરી દરિયાકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના માણસોને વિશેષ સૂચનાઓ અને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના ગામોમાં કંઈ પણ શંકાસ્પદ લાગે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે. સાથે સાથે દરિયામાં માછીમારી કરવા જતા લોકો સાથે પણ પોલીસ દ્વારા મિટિંગ યોજી સૂચનાઓ આપવામાં આવી છે.