Get The App

રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મળ્યા

૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦થી વધુ ચામડા તેમજ ૧૩૩ નખ કબજે કરી એફએસએલમાં મોકલાયા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો  રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મળ્યા 1 - image

રાજપીપળા તા.૮  રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના  સ્વર્ગવાસી મહંતના એક રૃમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ચામડું વાઘનું છે કે નકલી એની તપાસ માટે સેમ્પલ એફએસએલમાં  મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ મંદિરના મહંતનું તા.૭ જુલાઇ ૨૦૨૫ના રોજ અવસાન થયું છે.  સ્વર્ગસ્થ મહંતના રૃમના પહેલા માળ પરથી ખરાબ દુર્ગધ આવતી હોવાનું મંદિરના ટ્રસ્ટીને ધ્યાન પર આવતા ટ્રસ્ટીઓએ લેટર પેડ ઉપર રાજપીપળા વન વિભાગને જાણ કરી હતી. વન  વિભાગની ટીમ સરકારી પંચો સાથે ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરતા વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું જણાયું હતું.

આરએફઓ જિગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ મહંતની જ રૃમમાંથી મળી આવ્યા છે. 

જો એફએસએલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો મહંત સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં મહંતનું મૂળ વતન મધ્યપ્રદેશ  હોવાનું  બહાર આવ્યું  છે. વાઘનુ હોય તેવા ચામડા તેમજ નખને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘના શંકાસ્પદ ચામડા તેમજ નખ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં વાઘના ચામડા તેમજ નખનો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે.