Get The App

છોટા ઉદેપુરના કેવડીના જંગલોમાં 'વાઘ'ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરના કેવડીના જંગલોમાં 'વાઘ'ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી 1 - image


Tiger Conservation Drive in Chhota Udepur Forests: છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલોમાં 40 વર્ષ બાદ વાઘના આંટાફેરા હોવાની સત્તાવાર થઈ છે. જો કે, આ વાઘના સુરક્ષાને લઈને ચિંતા ઊભી થતા વન વિભાગે નોંધ લીધી છે. ખાસ કરીને કેવડીના જંગલોમાંથી પસાર થતા રેતી ભરેલા ભારે વાહનોને કારણે વાઘના જીવ પર જોખમ હોવાની રજૂઆત બાદ તંત્રએ કડક પગલાં ભરવાની ખાતરી આપી છે.

તંત્રને રજૂઆત કરાઈ હતી

છોટાઉદેપુરના એક વકીલે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી કે, કેવડીના જંગલોમાંથી છોટાઉદેપુર અને દાહોદને જોડતો મુખ્ય રસ્તો પસાર થાય છે. આ રસ્તા પર રાત્રિના સમયે રેતી ભરેલા ભારે ડમ્પરો બેફામ ગતિએ દોડે છે. વાઘ સામાન્ય રીતે રાત્રિના સમયે વિચરણ કરતો હોય છે, ત્યારે આ વાહનોની તેજ હેડલાઇટ અને ગતિ તેને અકસ્માતનો ભોગ બનાવી શકે છે. આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત, પરિવારના પોલીસ પર આરોપ

શું પગલાં લેવાશે?

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્ટેટ આરએન્ડબી અને આરટીઓ વિભાગ સાથે પરામર્શ શરૂ કર્યો છે. જેમાં વાઘની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કેવડીના જંગલ વિસ્તારમાં રસ્તા પર વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે સ્પીડ બ્રેકર મુકાશે અને વન્યજીવ વિસ્તાર હોવાના સાઈન બોર્ડ લગાવવામાં આવશે. જંગલ કોરિડોરમાંથી પસાર થતા ભારે વાહનોના રાત્રિના સમયના પ્રવેશ પર નિયંત્રણ લગાવાશે. વન વિભાગ દ્વારા વાઘની હિલચાલ પર નજર રાખવા માટે કેવડી અને રતનમહાલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

કેવડીના જંગલમાં ચાર દાયકા બાદ વાઘ જોવા મળ્યો

ઉલ્લેખનીય છેકે, છોટાઉદેપુર જિલ્લાના કેવડીના જંગલોમાં ચાર દાયકા બાદ વાઘ જોવા મળ્યો છે. વન વિભાગના કેમેરા ટ્રેપ અને પગલાંના નિશાન દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ વાઘ અહીં જ સ્થાયી થાય તેવા પ્રયાસો કરી રહી છે, ત્યારે પરિવહન અને માનવીય દખલગીરીને ઓછી કરવી તે વન વિભાગ માટે મોટો પડકાર છે.

વન વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર, વાઘની સુરક્ષા એ પ્રાથમિકતા છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ આરટીઓ સાથે મળીને વન્યજીવ કોરિડોરને સુરક્ષિત બનાવાશે. જેથી વાઘ અકસ્માતનો ભોગ ન બને અને આ વિસ્તાર છોડીને ન જાય.