આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે
શિવ મંદિરો હર...હર...મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે
મંદીરોમાં પુજા, અર્ચના, આરતી, લધુ રૃદ્ર યજ્ઞા, શિવ સ્ત્રોતમ સહિતના કાર્યક્રમો યોજાશે
સુરેન્દ્રનગર - હિન્દુ ધર્મમાં દરેક તહેવાર તેમજ તિથિનું વિશેષ મહત્વ છે ત્યારે ભગવાન ભોળાનાથની ૫ુજા અર્ચના અને તેમના મહિમાનો વિશેષ તહેવાર એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડના શિવ મંદિરોમાં પણ સવારથી ભક્તોની ભીડ ઉમટી પડશે.
હિન્દુ ધર્મનો પવિત્ર અને વિશેષ આસ્થા અને શ્રધ્ધાનો મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવાર તેમજ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસનો વિશેષ સંયોગ સર્જાયો છે જેને ધ્યાને લઈ સવારથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો તેમજ તાલુકા મથકોએ આવેલ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડશે. શ્રાવણ મહિનાને ધ્યાને લઈ દરેક શિવ મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે તેમજ મંદિરમાં પુજા, અર્ચના, આરતી, મહાપ્રસાદ, લધુરૃદ્ર યજ્ઞા, શિવકથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભગવાન ભોળાનાથના શિવલીંગને પણ અલગ-અલગ દિવસે વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવશે. જ્યારે સવારથી ભક્તો જળાભિષેક કરી શિવજીની ભક્તિમાં લીન થશે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરીવિસ્તારમાં આવેલ વર્ષો જુના હાટકેશ્વર મહાદેવ, અણઘટનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ ઉપરાંત વઢવાણ ખાતે આવેલ ક્ષેમશંકર મહાદેવ, ચોટીલા તાલુકામાં આવેલ ઝરીયા મહાદેવ, કોઠારીયા રોડ પર આવેલ સ્ફટીક મહાદેવ, ધ્રાંગધ્રાના જડેશ્વર મહાદેવ તેમજ ફુલેશ્વર મહાદેવ સહિત તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીઠ ઉમટી પડશે અને સમગ્ર માહોલ હર...હર...મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે.