Gujarat

આજે ગુરૂવારે ગુરૂપૂર્ણિમાનો સંયોગ : સૌરાષ્ટ્રમાં ગુરૂમંદિરોએ ભીડ ઉમટશે

By GS TEAM
9 Jul 20252 mins read
આજે ગુરૂવારે ગુરૂપૂર્ણિમાનો સંયોગ : સૌરાષ્ટ્રમાં ગુરૂમંદિરોએ ભીડ ઉમટશે

તત્પદં દર્શિતં યેન, તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ- ઈશ્વર સાક્ષાત્કાર કરાવતા ગુરૂને વંદન  રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ અને રણછોડદાસજી આશ્રમ તેમજ પરબધામ, સતાધાર, બગદાણા, ગીરનાર સહિત સ્થળે ધર્મોત્સવો

રાજકોટ, : અખંડમંડલાકાર ,વ્યાપ્તં યેન ચરાચરમ્, તત્પદં દર્શિતં યેન, તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ અર્થાત્ સમગ્ર વિશ્વમાં વ્યાપક  પરમતત્વનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા ગુરૂના ચરણમાં વંદન. શાસ્ત્રોમાં ગુરૂ શબ્દનો અર્થ ગુ એટલે અજ્ઞાાનનો અંધકાર અને રૂ એટલે તેને હટાવનાર તરીકે ઓળખાયા છે તે ગુરૂવંદનાનો સર્વોત્તમ દિવસ આવતીકાલે શુભસંયોગ સાથે ગુરૂવાર તા. 10 જૂલાઈએ ઉજવવા સૌરાષ્ટ્રમાં ગુરૂગાદી,મંદિરોએ ચરણપાદુકા દર્શન,પૂજન સહિત ધર્મોત્સવના આયોજન કરાયા છે. 

રાજકોટના યાજ્ઞિાકરોડ પર રામકૃષ્ણ આશ્રમ તથા કુવાડવા રોડ પર શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે દર વર્ષ ઉમટતી ભીડને ધ્યાને લઈને તૈયારીઓ કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત પરબધામ ,બગદાણા અને સતાધાર તેમજ જામનગરમાં બાલા હનુમાન મંદિર અને  ગામેગામ આવેલા અનેક આશ્રમોએ, ગુરૂગાદીએ ભાવિકો ગુરૂદેવને વંદન,દર્શન,પૂજન કરીને ધન્યતા અનુભવશે. આ માટે વિવિધ ધર્મોત્સવો પણ યોજાયા છે. 

સાચા ગુરૂ એ પોતાની મહત્તા કે સંપત્તિ-સત્તા વધારવામાં લેશમાત્ર રસ લેતા નથી પરંતુ, શિષ્યને તેનું આત્મગૌરવ જગાડીને તેની મહત્તાના દર્શન કરીને તેને મનુષ્ય જીવનના પરમલક્ષ્ય ઈશ્વર સાક્ષાત્કાર તરફ લઈ જતા હોય છે. ગુરૂઓના ગુરૂ દત્તાત્રેય ગણાય છે જેમણે પ્રકૃતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરીને ઉમદા બોધ મેળવ્યો હતો. ગુરૂની કૃપા પામવા સત્તા કે સંપત્તિની નહીં,સમજણની જરૂર હોય છે.

 RSSના ગુરૂ માણસ નહી, ભગવો ધ્વજ છે :  એકસો વર્ષ પહેલા નાગપુરમાં સ્થપાયેલા અને આજે દેશ,વિદેશમાં ફેલાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુરૂપૂર્ણિમાના દિવસે કોઈ વ્યક્તિની નહીં પણ ભગવા ધ્વજને જ ગુરૂ તરીકે સ્વીકારીને તેનું પૂજન કરે છે. 27, સપ્ટેમ્બર-1925ના સંઘની સ્થાપના થયા બાદ ઈ. 1928માં પ્રથમવખત ગુરૂપૂજન થયું ત્યારથી ભગવા ધ્વજને ગુરૂનો દરજ્જો અપાયો છે, યુગોથી ભગવો ઝંડો ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.