માંડલ પંથકમાં મોડી રાત્રે આંધી,પવન સાથે તોફાની વરસાદ
માંડલ - રાજ્યમાં હવે વાવાઝોડાની અસર નહીંવત બની છે પરંતુ દરિયા કિનારાઓ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે પવનો ફૂંકાશે, વિવિધ વિસ્તારોમાં ઓછાવત્તા પ્રમાણમાં વરસાદ પડવાની હવમાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગાહીઓ કરવામાં આવી છે. ત્યારે રવિવારની સાંજે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના કેટલાંક તાલુકાઓ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો નોંધાયો હતો.
ગ્રામ્યના માંડલ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ૧૨ વાગ્યાના આસપાસ ભારે પવન ફૂંકાવાનો શરૃ થયો તો બીજી બાજુ વીજળીના કડાકાં અને આંધી તોફાન સાથે વરસાદ શરૃ થયો હતો. વરસાદ પડવાની સાથે રાતભર વીજપૂરવઠો આવજા થયો ત્યારે બીજી બાજુ દેત્રોજ તાલુકાના રામપુરા ગામ સહિત આસપાસના ગામોમાં પણ ૯ કલાકથી મોડી રાત સુધી વરસાદ અને તીવ્ર ગતિમાં પવન ફૂંકાયો હતો.
તોફાની પવન સાથે રામપુરા અને આસપાસના ગામોમાં અનેક જગ્યાએ મકાનો, દુકાનો અને સંસ્થાઓ તેમજ શેડના પતરાઓ હવામાં ઉડયાં હતાં. કેટલાક ગ્રામ્ય રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાયી થયાં હતાં, રામપુરા ગામ સહિતના વિસ્તારમાં રાત્રિના ૯ કલાકથી વીજપુરવઠો ખોરવાયો હતો જેથી વીજકર્મીઓની ટીમ દ્વારા પણ શહેરમાં પુનઃવીજ પૂરવઠો શરૃ કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.
ભારે પવન અને વરસાદી આફતથી દેત્રોજ તાલુકા વિસ્તારમાં આવેલ ગૌશાળાઓમાં રાત્રિના અબોલ જીવોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો, બીજી બાજુ અંધારપટ સ્થિતિ વચ્ચે પતરાઓ ઉડવાથી સામાન્ય જનજીવન ઉપર અસર પડી હતી. વરસાદ વરસવાથી ગરમીથી લોકોએ આંશિક રાહત તો મેળવી લીધી પરંતુ દેત્રોજના ગામડાઓમાં પતરા ઉડવા, વૃક્ષો પડવાની ઘટના સાથે અનેક લોકોને ભારે મુશકેલીનો સામનો કરવો પડયો હતો. રાત્રે આવેલ વરસાદી આફતને પગલે સવારે વિવિધ ગામોમાં સ્થાનિક અગ્રણીઓ, તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતીનો ચીતાર મેળવ્યો હતો.
