Gujarat

દ.ગુજરાતમાં આભ ફાટયું: રાજ્યમાં ભારે વર્ષાની આગાહી

By GS TEAM
27 Jun 20253 mins read
દ.ગુજરાતમાં આભ ફાટયું: રાજ્યમાં ભારે વર્ષાની આગાહી

- અષાઢે અનરાધાર: સૌથી વધુ તાપીમાં 8.50 ઈંચ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 27 ટકા વરસાદ

- ગુરૂવારે 170 તાલુકામાં મેઘમહેર, 70માં 1 ઈંચથી વધુ: ગુજરાતના 17 જળાશયો હાઇ એલર્ટમાં, એનડીઆરએફ-એસડીઆરએફની કુલ 33 ટીમ તૈનાત

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું બરાબરનુ જામ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપીના ડોલવણમાં ૮.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ગુરૂવારે દિવસ દરમિયાન જુનાગઢના માળિયા-હાટિનામાં ૫.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ  રાજ્યમાં સિઝનનો અત્યારસુધી સરેરાશ ૨૭ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

ગુરુવારે સાંજે ૪ વાગ્યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક સુધીમાં ડોલવણમાં ૮.૫ ઇંચ,વાલોડમાં ૩.૫ ઇંચ અને વ્યારામાં ૧.૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.  ડોલવણમાં વરસાદે જોરદાર બેટિંગ કરતા સવારે ૪ થી સવારે ૬ વાગ્યાના ૨ જ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડ જિલ્લામાં ગઇકાલે બુધવારે સાંજે ૪ વાગ્યાથી આજે ગુરૂવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

સૌથી વધુ વલસાડ અને પારડીમાં ૫-૫ ઇચ વરસાદ ઝિકાતા પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે ધરમપુરમાં ૩ ઇંચ, કપરાડા - વાપીમાં ૧.૫ ઇંચ અને ઉમરગામમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.નવસારી જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રીતે વરસતા ઠેર ઠેર પાણી પાણી થયું છે. જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ સાર્વત્રિક ૪.૫ ઇંચ વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસપાટી વધતા નદીઓ બંને કાંઠે વહેવા માંડી છે. પાણી ભરાવાથી જિલ્લાના કુલ ૬૮ રસ્તાઓ બંધ થયા છે. જેના પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.ડાંગ જિલ્લામાં ગુરૂવારે સાંજે ૪ વાગે પુરા થતા ચોવીસ કલાકમાં સરેરાશ ૨.૪૨ઃઇંચ વરસાદ પડતા લોકમાતાઓ  ગાંડીતુર બની બંને કાંઠે વહેવા લાગી હતી.

 ડાંગ જિલ્લામાં બુધવારે સાંજે ૪ વાગ્યા થી ગુરૂવારે સાંજે ૪ વાગે પુરા થતા ચોવીસ કલાકમાં સાપુતારામાં ૯૫ મીમી ૩.૮ ઇંચ, વઘઇ ૬૫ મીમી ૨.૬ ઇંચ, આહવા ૪૭ મીમી ૧.૯ ઇંચ, અને સુબીરમાં ૩૫ મીમી ૧.૪ ઇંચ વરસાદ પાડયો હતો.

દરમિયાન ગુરૂવારે જુનાગઢના માળિયા-હાટિનામાં ૫.૫૦ ઈંચ, સુરતના-જુનાગઢના મહુવામાં ૫ ઈંચ, નવસારીના ખેરગામમાં ૪.૫૦ ઈંચ, ગીર સોમનાથના તલાલામાં ૪ ઈંચ વરસાદ પડયો હતો.

આજે કુલ ૧૭૦ તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં ૭૦ જેટલા તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ૧૭ જળાશયો હાઇ એલર્ટમાં છે. કુલ ૧૨ જળાશયો ૧૦૦ ટકા ભરાયેલા છે જ્યારે ૩૩માં જળસ્તર ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે છે. 

વલસાડમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા

વલસાડ:  વલસાડમાં ગત રાત્રે પડેલાં મુશળધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામડાઓના રસ્તાઓ તેમજ ઘરો માં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી બની હતી. વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને લઇને આખું ગામ બેટ માં ફેરવાયું હતું. કોઝવે અને લો લેવલ બ્રીજો પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં હતાં અને લોકોએ ૧૦ થી વધુ કિમી નો ચકરાવો ખાવો પડયો હતો. શહેર ને અડીને આવેલા નનકવાડા ટીવી રિલે કેન્દ્ર વિસ્તારમાં ૧૫ થી વધુ સોસાયટી ઓમા પાણી ભરાતા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. 

ગુજરાતમાં ૩ દિવસ ક્યાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ?

૨૭ જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ.

૨૮ જૂન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જુનાગઢ,કચ્છ.

૨૯ જૂન બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ.