મેઘાંડબર વચ્ચે સૌરાષ્ટ્રમાં ઝાપટાં, બાબરા પંથકમાં ધોધમાર 4 ઈંચ સુધી વરસાદ
બે સપ્તાહથી પૂરતી વરાપ નહીં નીકળતાં ખેતીપાક પર જોખમ
હજુ ચાર દિવસ 'યલો એલર્ટ' : વાદળછાયાં વાતાવરણ વચ્ચે મેઘમહેર યથાવત રહેશે, રાજકોટમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં પણ જળબંબાકાર
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા અને સમયાંતરે ઝાપટા વરસતા રહ્યા હતા. સાંજે આઠ વાગ્યા સુધીમાં શહેરનાં ત્રણેય ઝોનમાં એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે, સાવ સામાન્ય વરસાદ હોવા છતાં પણ મહિલા કોલેજ અંડરબ્રિજ, ટાગોર રોડ, રૈયા રોડ, માધાપર ચોકડી, નાના મવા સર્કલ, કેનાલ રોડ, બસ સ્ટેશન વિસ્તાર, ભક્તિનગર સર્કલ, પારેવડી ચોક, બેડીનાકા, જામનગર રોડ, અટીકા વિસ્તાર વગેરે સ્થળોએ જળબંબાકાર થઈ ગયો હતો. આ સાથે આજે કોટડાસાંગાણી, જસદણ, વિંછીયા, ગોંડલ તથા મોરબી જિલ્લામાં ટંકારા, મોરબી અને માળિયા મિંયાણા, જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, સોમનાથ જિલ્લામાં કોડીનાર, જામનગર જિલ્લામાં લાલપુરમાં પણ અડધાથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં આજે હળવા-ભારે ઝાપટા વચ્ચે ધારી અને સાવરકુંડલામાં પોણો ઈંચ મેઘમહેર વરસી હતી. જ્યારે બાબરા શહેર અને તાલુકામાં બપોર બાદ દોઢ કલાકમાં સચરાચર ૩ થી ૪ ઈંચ વરસાદ વરસી પડયો હતો. જેમાં બાબરામાં અઢી ઈંચ, જ્યારે ખંભાળા, નાનીકુંડળ, જામબરવાળા, મોટા દેવળિયા, કોટડાપીઠા, દરેડ, ગળકોટડી, લાલકા, વાંકિયા, વાવડા, થોરખાણ, ધરાઈ, વાવડી સહિતના ગામોમાં ત્રણ-ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. પરિણામે કાળુભાર, ગાગડીયો, શેલ, માખણીયો, ઘેલો, ઈતરિયો સહિત તમામ નદીઓમાં બે કાંઠે વહેવા લાગી હતી. જયારે કાળુભાર ડેમની જળસપાટી ૧૬ ફૂટે પહોંચી હતી.