યાત્રાધામ દ્વારકામાં સેંકડો શ્રધ્ધાળુંઓ ઉમટતા ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ : દુર્ઘટના ટળી
અષાઢ સુદ પુનમ અને ગુરૂપૂર્ણિમાનાં અવસરે વ્યવસ્થાનો અભાવ : સ્વર્ગદ્વાર છપ્પન સીડીએ હૈયેહૈયું દળાઈ એટલી જનમેદનીમાં બાળકો, મહિલાઓ, વૃધ્ધો ભીંસાયા, અનેક ભાવિકોને ગુંગળામણનો અનુભવ થયો
દ્વારકા, : છેલ્લા પંદર વર્ષથી દ્વારકાની પૂનમ ભરવાનો ભાવિકોમાં મહિમા વધ્યો છે. એમાં'યે આજે ગુરૂ પૂર્ણિમા હોવાથી શ્રધ્ધાળુનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ વખતે ભારે ભીડના કારણે અવ્યવસ્થા સર્જાતા અનેક ભાવિકોએ ગૂંગળામણનો અનુભવ કર્યો હતો. ચિક્કર ભીડમાં અનેક યાત્રાળુઓ ફસાઇ ગયા હતા. પરિણામે ધક્કામુક્કીની ગંભીર સ્થિતિ ઉદ્દભવી હતી. જો કે, સદનશીબે કોઈ દુર્ઘટના નહીં સર્જાતા હાશકારો અનુભવાયો હતો.
યાત્રાધામ દ્વારકામાં આજે અષાઢ સુદ પુનમનાં પાવન દિવસની સાથે ગુરૂવાર અને ગુરૂપૂર્ણિમાનાં સંગમનો સંયોગ હોવાથી સેંકડો ભાવિકો ઉમટી પડયા હતા. આમ પણ દર મહિને અમાસ ભરવા માટે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ આવતા જ હોય છે. પરિણામે આજે દર પુનમ કરતા બમણાંથી વધુ ભાવિકો પહોંચ્યા હતા અને દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્ર અને સુરક્ષા જવાનો પરિસ્થિતિનો તાગ મેળવવામાં થાપ ખાઈ ગયા હતા. એક સાથે દ્વારકાધીશના દર્શન કરવા ભીડ ઉમટી પડતા દેકારો બોલી ગયો હતો.
આજે વહેલી સવારે ભાવિકો પવિત્ર ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના મંગળા દર્શન કરવા સ્વર્ગદ્વાર છપ્પન સીડી પાસે પહોંચ્યા હતા. અહીં એકાએક જ સેંકડો ભાવિક-ભક્તોની ભીડ એકત્ર થઈ જતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. જેમાં બાળકો, વૃધ્ધો, મહિલાઓ પણ હૈયેહૈયું દળાઈ એવી ચિક્કાર જનમેદનીની ભીડમાં ફસાઇ જતાં દેકારો મચી ગયો હતો. જગત મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભક્તો ભીડમાં ફસાતા વહીવટી તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. જો કે, સ્વર્ગદ્વાર છપ્પન સીડી પર પગ મુકવાની પણ જગ્યા રહી નહોતી. જો અફવા ફેલાય કે બુમાબુમ થાય તો ધક્કામુક્કીનું ભયંકર સ્વરૂપ સર્જાવા સાથે મોટી જાનહાની થવાની સ્થિતિનો પણ કેટલાક શ્રધ્ધાળુંએ ભય અનુભવ્યો હતો. જો કે, સદ્દનશીબે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.