કાયદો-વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી વધુ એક ઘટના
ચોકમાં બેસવા જેવી બાબતે માથાકૂટ, બે આરોપીઓ પણ તલવારથી થયેલા હુમલામાં ઘાયલ થયા
રાધા કૃષ્ણનગર શેરી નં. ૧૯/૨૦ના ખૂણે રહેતા અને કાંડા ઘડિયાળના ફીટીંગનું કામ કરતાં ચેતન ધીરૂભાઈ ચાવડા (ઉ.વ.૨૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે એક્ટિવા લઇ ઘરે આવતો હતો ત્યારે વિક્રમ ચોકમાં આરોપી વિશ્વજીત પ્રભાતભાઈ જળુ (ઉ.વ.૨૧), અરમાન મહેબુબભાઈ અજમેરી (ઉ.વ.૨૧) અને બે અજાણ્યા શખ્સોએ અટકાવી કહ્યું કે અહીં શેરીમાં આપણને બેસવાની કોણ ના પાડે છે, ના પાડે તો છરીના ગોદા મારી દેવા છે.
જેથી તેણે વિશ્વજીતને મનફાવે તેમ બોલવાની ના પાડતાં તેના પેડુથી નીચેના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો, બીજો ઘા મારવા જતાં હાથ આડો નાખતા ટચલી આંગળીમાં ઇજા થઇ હતી. બાકીના ત્રણ આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. પાડોશી પ્રભાતભાઇ કાળુભાઈ લાવડિયા (ઉ.વ.૪૦) અને અરવિંદ રમેશભાઈ ચૌહાણ છોડાવવા વચ્ચે પડતાં વિશ્વજીતે આ બંનેને પણ છરીના ઘા ઝીંક્યા હતાં. જેમાંથી પ્રભાતભાઈને પેટ અને છાતીના ભાગે ઉંડો ઘા વાગી જતાં લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે અરવિંદભાઈને ડાબા હાથના બાવળાના ભાગે ઇજા થઇ હતી.
૧૦૮માં ત્રણેયને સિવિલ ખસેડાયા હતા. જ્યાં તબીબોએ પ્રભાતભાઈની સ્થિતિ નાજુક હોવાનું જણાવી તત્કાળ ઓપરેશન કર્યું હતું. ભક્તિનગર પોલીસે ચારેય આરોપીઓ સામે ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે બે આરોપીઓ વિશ્વજીત અને અરમાન પણ સામાવાળાઓએ પોતાની ઉપર તલવારથી હુમલો કરી, ઘાયલ કર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જો કે બંનેએ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો. અરમાનને ગઇકાલે સવારે જ ભક્તિનગર પોલીસે છરી સાથે પકડયો હતો. સાંજે છૂટયા બાદ રાત્રે તેણે આ મારામારી કરી હતી. ગંભીર ઇજા પામનાર પ્રભાતભાઇ ચાની હોટલ ધરાવવાની સાથે મજૂરી કામ પણ કરે છે.


