માત્ર ૨.૩૯ મિનિટમાં જ ૧૦ મંત્રો સડસડાટ બોલી જતી ત્રણ વર્ષની તનિષા
૧૧ માસની ઉંમરે જ પિતા ગુમાવ્યા હતાં ઃ માતા શિક્ષિકા છે
વડોદરા, તા.૧૫ જે વયે બાળકો બોલતા શીખે, તેવા સમયમાં વડોદરાની ત્રણ વર્ષની નાનકડી બાળકી તનિષા તાપસ યાદવે અદ્દભુત સિદ્ધિ હાંસલ કરી છે. તનિષાએ માત્ર ૨ મિનિટ ૩૯ સેકન્ડમાં ૧૦ ધાર્મિક મંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
તનિષાના જીવનમાં આ સિદ્ધિ વધુ મહત્વની બને છે કારણ કે તેણીએ પોતાના પિતાને ૧૧ મહિનાની ઉંમરે જ ગુમાવી દીધા. ત્યારબાદ તેની શિક્ષિકા માતા નિશાબેને તેનો ઉછેર કર્યો. માતાએ તનિષાને દરરોજ રાત્રે સૂતા પહેલા મંત્રોના પાઠ શીખવવાનું શરૃ કર્યું હતું. સતત ચાર મહિના સુધીના અભ્યાસ પછી તનિષા મંત્રો સ્પષ્ટ અને ઝડપથી બોલવામાં સફળ બની.
વિશ્વ રેકોર્ડ માટેના અરજી અંતર્ગત વિડિયો અને ફોટોગ્રાફના આધારે આ સિદ્ધિ મંજુર કરવામાં આવી.તનિષાની આ સિદ્ધિ બાદ હવે તેની માતા તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરી રહી છે.