તાપીના ગૌમુખ ધોધમાં ત્રણ મહિલા તણાઇ, 2નો આબાદ બચાવ, 1નો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો
Tapi News: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત ગૌમુખ ધોધમાં ગમખ્વાર ઘટના બની છે. નવસારીથી ફરવા આવેલી ત્રણ મહિલાઓ નાહવા પડતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીથી ત્રણ મહિલાઓ તાપીના ગૌમુખ ધોધની સુંદરતા માણવા અને નાહવા માટે આવી હતી. ચોમાસાના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ વધેલો હતો, તેમ છતાં તેઓ નાહવા ઉતરી હતી. અચાનક ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ એકાએક વધતા ત્રણેય મહિલાઓ તણાઈ હતી.
જોકે બે મહિલાઓને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. જ્યારે 68 વર્ષીય ભાનુબેન ગોરાસે નામની વૃદ્ધા પાણીના પ્રવાહમાં વધુ દૂર ખેંચાઈ ગયા હતા. તેઓ ગુજરાતના સોનગઢથી તણાતા તણાતા મહારાષ્ટ્રની સીમમાં પહોંચી ગયા હતા.
મોડી સાંજે મહારાષ્ટ્રની સીમમાંથી ભાનુબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. નવાપુર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રવાસીઓને ચોમાસા દરમિયાન ધોધ અને નદી-નાળામાં સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.