બી.સી.એ. (બરોડા ક્રિકેટ એસોસિયેશન)ની ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી તા.૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ ૩૧ વિવિધ પદો માટેના ચૂંટણી જંગમાં રિવાઇવલ, રોયલ અને સત્યમેવ જયતે આ ત્રણ મજબૂત જૂથો મેદાનમાં ઉતરતાં ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. અલગ-અલગ કેટેગરીમાં ૧૯૫ ફોર્મ ભરાતા ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
બી.સી.એ.ના વહીવટમાં પરિવર્તન લાવવું કે વર્તમાન વ્યવસ્થાનું પુનરાવર્તન કરવું એ મુદ્દે શહેરના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યોની નજર ત્રણેય જૂથોના ઉમેદવારો પર ટકેલી છે. આવતીકાલે ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ સ્પષ્ટ થશે કે કયા હોદ્દાઓ પર સીધી ટક્કર થશે. જ્યારે તા. ૧૬ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થતા વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં રહેશે તે સ્પષ્ટ થશે.
સાંજે છ વાગ્યે ફોર્મે ભરવાની સમય મર્યાદા પૂર્ણ થતા ચૂંટણી ઓફિસર આઈ.આઈ. પંડયાએ સ્પષ્ટતા કરી હતી કે, ૭૦ર ફોર્મના ઉપાડસામે બે દિવસ દરમિયાન ૧૬૫ ફોર્મ જમા થયા છે. જેમા પ્રમુખ પદે - ૭, ઉપ પ્રમુખ પદે- ૯ અને સેક્રેટરી પદે - ૯ ઉમેદવારી ફોર્મ અને બાકીના ફોર્મ અલગ અલગ હોદાઓ માટે ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એકબીજાના હરીફ રહેલા રિવાઈવલ અને રોયલ જૂથે ૨૦૨૩ની ચૂંટણીમાં સમાધાન કરી વિરોધીઓને ચોંકાવ્યા હતા, ત્યારે આ વખતની ચૂંટણીમાં તેઓ ફરી સામસામે આવશે કે કોઈ નવા સમીકરણો રચાશે તે બાબતે ભારે ચર્ચા ચાલી રહી છે.

ચૂંટણી પ્રક્રિયાની વ્યવસ્થા અંગે સવાલો ઉઠવા
આ ચૂંટણી માટે ફોર્મ જમા કરાવવા આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો પહોંચે તે નક્કી હતું. તેમ છતાં આગોતરું આયોજન ન કરાતા ઉમેદવારોએ વ્યવસ્થાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ફોર્મ સ્વીકારવા માટે માત્ર એક જ કાઉન્ટર રાખવામાં આવતા વિલંબ થયો હતો. ઉમેદવારોની રજૂઆત બાદ બીજું કાઉન્ટર શરૂ કરાયું હતું. આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે બેસવાની અપૂરતી વ્યવસ્થા હોવાથી અનેક લોકોને ઓફિસની બહાર ઊભા રહેવાની નોબત આવી હતી.
સત્યમેવ જયતે અને રોયલ જૂથે ગઠબંધનના દ્વાર ખુલ્લા રાખ્યા, રિવાઈવલ જૂથ દ્વારા અભિજીત મુહૂર્તમાં ફોર્મ જમા કરાયાં
સત્યમેવ જયતે જૂથ તરફથી જતીન વકીલે પ્રમુખ સહિત પાંચ પદો પર દાવેદારી નોંધાવી હતી. જતીન વકીલે જણાવ્યું હતું કે, રાજકીય દાવપેચ વચ્ચે પણ અમને અમારા સભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે અને સત્યનો સાથ આપનાર માટે દ્વાર ખુલ્લા છે. તો બીજી તરફ રોયલ જૂથ તરફથી અનંત ઇન્દુલકરે પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર પદે દાવેદારી નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટડેવલપમેન્ટ અને ક્રિકેટરોના સારા ભવિષ્યના ધ્યેય સાથે આચૂંટણી લડીશું. રિવાઇવલ અને સત્યમેવ જયતે જૂથ સાથે સીધી ટક્કર રહેશે, તેમ છતાં ગઠબંધનના દ્વાર ખુલ્લા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જ્યારે રિવાઈવલ જૂથના આધારભૂત સૂત્રોનું કહેવું હતું કે, રિવાઈવલ જૂથ દ્વારા અભિજીત મુહૂર્તમાં ફોર્મ જમા કરાયાં છે. હરીફે જૂથમાં અત્યારથી ખેંચતાણ જોવા મળે છે. મુખ્ય પદો પર એકથી વધુ ઉમેદવારથી તેઓ પોતે અસમંજસમાં છે.


