પાલિકાની સેનેટરી ટીમની કાર્યવાહી
૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૃ.૧૫,૦૦૦નો દંડ વસૂલાયો
બગોદરા - ધોળકા નગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અભિયાનના ભાગરૃપે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં હોલસેલ અને છૂટક વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો મોટો જથ્થો પકડી પાડયો હતો.
ચીફ ઓફિસરની સેનેટરી વિભાગની ટીમે મોટા હોલસેલના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા જપ્ત કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર ત્રણ વેપારીઓ પાસેથી પ્રત્યેક રૃ. ૫,૦૦૦ લેખે કુલ રૃપિયા ૧૫,૦૦૦ની દંડકીય વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 'પ્લાસ્ટિક મુક્ત ધોળકા' બનાવવા માટે ચેકિંગ ચાલુ રહેશે તેમજ વેપારીઓને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ બંધ કરે, અન્યથા આગામી દિવસોમાં વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.


