ઓનલાઇન ઠગોનું ત્રણ તબક્કાનું નેટવર્કઃ લીગલ ટીમ પણ સામેલઃદિલ્હીની ગેંગ પાસે 25 ડ્રાફ્ટ મેલ મળ્યા
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના નેટવર્ક ને લગતી કેટલીક ચોંકાવનારી વિગતો વડોદરા સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન બહાર આવી છે.જેમાં ઓનલાઇન ઠગો ત્રણ તબક્કાનું નેટવર્ક ધરાવતા હોવાનું ખૂલ્યું છે.
વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે યુવક પાસેથી ૧૩.૭૦ લાખ પડાવી લેનાર દિલ્હીની ગેંગના છ સાગરીતો પકડાતાં સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતના નેજા હેઠળ અધિકારીઓની ટીમ દ્વારા તેમના લેપટોપ, મોબાઇલ તેમજ બેન્ક ટ્રાન્ઝેક્શનોની તપાસ કરવામાં આવી રહી છે.
જે દરમિયાન ઓનલાઇન ઠગોનું સંગઠિત નેટવર્ક હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.આ ઠગો ત્રણ તબક્કાનું નેટવર્ક ધરાવી રહ્યા છે.જેમાં પહેલા તબક્કાના નેટવર્કમાં ગ્રાહકોને કોલ કરીને ફસાવવામાં આવે છે અને તેમના રૃપિયા બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે.
બીજા તબક્કામાં આ રૃપિયા આંગડિયા કે ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરીને વિદેશમાંથી નેટવર્ક ચલાવતા આકાઓને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે.જ્યારે,ત્રીજા તબક્કાના નેટવર્કમાં પોલીસ એજન્સીના તપાસ અધિકારીઓ તેમજ જ્યુડિશિયરીને અવરોધવા માટે લીગલ ટીમ સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
એસીપી એ કહ્યું છે કે,દિલ્હીની ગેંગ પાસે મળેલા મોબાઇલમાંથી પોલીસ અને જ્યુડિશિયરીને અવરોધવા માટે ડ્રાફ્ટ થયેલા ૨૫ જેટલા મેલ મળી આવ્યા છે.જેથી આ એક નવા પ્રકારનું ગુનાઇત નેટવર્ક ખૂલ્યું છે.જેની ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.