નલ સે જલ યોજનાના કૌભાંડીઓને પકડવા ત્રણ ટીમ બનાવાઇ

વડોદરા,મહિસાગર જિલ્લાના લોકોને પીવાનું પાણી ઘર આંગણે જ મળી રહે તે માટે સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલી નલ સે જલની યોજનામાં ૧૨૩.૨૨ કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓને શોધવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરે ત્રણ ટીમો બનાવી તપાસ શરૃ કરી છે. જોકે, હજીસુધી કોઇ આરોપીની ધરપકડ થઇ નથી.
મહિસાગર જિલ્લાના તમામ તાલુકાના ૬૨૦ ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત ૬૨૦ ગામોમાં પીવાના પાણીની પાઇપ લાઇન, કૂવા, ટયૂબવેલ વગેરેની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. આ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવા અંગે ખાતાકીય તપાસ પછી વાસ્મોેના યુનિટ મેનેજર ગિરીશભાઇ અમરિષભાઇ અગોલાએ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં કુલ ૧૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના વોટર સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ એજન્ટ અને ખાનગી કંપનીને લાભ થાય તે હેતુસર ગામોની પાઇપ લાઇન, ઘર જોડાણ તથા આનુષંગિક કામગીરીના ખોટા હિસાબો દર્શાવી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓએ સરકારને અંદાજીત ૧૨૩.૨૨કરોડનું નુકસાન કર્યુ હતું. કેટલાક આરોપી જામનગર, પાલનપુર, ડાંગ, અરવલ્લી, ભાવનગર, કરમસદ, ખેડા અને સુરેન્દ્રનગરમાં હાલ ફરજ બજાવી રહ્યા છે. આરોપીઓને પકડવા માટે ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ત્રણ અલગ - અલગ ટીમ બનાવવામાં આવી છે.








