વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા
આ સમગ્ર ઘટના બાદ હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા
Updated: Aug 15th, 2023
વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કહેવા પુરતી જ રહી છે. હવે શિક્ષણના ધામમાંથી પણ દારૂની મહેફિલો પકડાવા માંડી છે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી દારૂ પકડાયા બાદ હવે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી પણ ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઈ ગયાં છે.
વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બાઇટિંગ મળી આવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની એમ.એમ. હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બાઇટિંગ મળી આવ્યાં હતા. આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા.
હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા
આ સમગ્ર ઘટના બાદ હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા છે. ગુજરાત વિદ્યાપીઠની પ્રાણજીવન હોસ્ટેલના જે રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી, એ રૂમના વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરવામાં આવ્યો છે, ત્યારે હવે જોવું રહ્યું કે એમ.એસ. યુનિવર્સિટી પોતાની હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા એ વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેશે.