Gujarat

પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ

By GS TEAM
29 Aug 20252 mins read
પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ

ચાર વર્ષ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી

એસઓજીએ આરોપીઓને ઝડપી લીધા બાદ ગાંધીનગર કોર્ટમાં ચાલેલા કેસ બાદ ચુકાદો ઃ ૫૦,૦૦૦નો દંડ

ગાંધીનગર :  ગાંધીનગરમાં ચાર વર્ષ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને પરીક્ષા વગર જ પોલીસમાં ભરતી કરાવી આપવાનું કહી છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર સહિત દંપતિને ગાંધીનગર એસઓજી દ્વારા ઝડપી લેવાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓને સાત સખત વર્ષની કેદની સજા અને ૫૦૦૦૦ રૃપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૧માં ગુજરાત અને રાજસ્થાનના ઉમેદવારોને પોલીસમાં પરીક્ષા આપ્યા વગર જ ભરતી કરાવી આપવાનું કહીને ઉમેદવારો પાસેથી રૃપિયા પડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેની તપાસ તત્કાલીન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા શરૃ કરવામાં આવી હતી અને શરૃઆતમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, મુખ્ય આરોપી, જેણે પોતાની ઓળખ 'કલ્પેશ પટેલદ તરીકે આપી હતી, તે ફરાર હતો. આ આરોપી પોલીસ ભવનમાં ડીજીપીના પીએ તરીકે કામ કરતો હોવાનું અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ગાઢ સંબંધો હોવાનું જણાવીને ઉમેદવારોને છેતરતો હતો. તેણે અને તેના સાથીઓએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના તત્કાલીન અધ્યક્ષ જ્ઞાાનેન્દ્રસિંહ મલિક અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નકલી સહી-સિક્કાવાળા ડમી કોલ લેટર, નિમણૂક પત્રો અને આઈ-કાર્ડ બનાવીને આપ્યા હતા. કુલ મળીને, આરોપીઓએ ઉમેદવારો પાસેથી ૯૫,૦૦,૦૦૦ની રકમ પડાવી હતી. એસઓજી દ્વારા મુખ્ય આરોપી અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા સાધુ કૃણાલ ગોવિંદભાઈની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સિદ્ધાર્થ હિતેશભાઈ પાઠક અને પૂજા સિદ્ધાર્થભાઈ પાઠકની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિમાંશુ ચૌધરીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.પી ચૌધરીએ તપાસ અધિકારી ડી.બી વાળા અને વી.ડી વાળા દ્વારા રજુ કરાયેલા પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા અને આરોપીઓને સજાની માગણી કરતા કોર્ટ દ્વારા સાત વર્ષની સખત કેદની સજા અને પચાસ હજાર રૃપિયાનો દંડ ત્રણેય આરોપીઓને ફટકારવામાં આવ્યો હતો.