વડોદરા ગોત્રી વિસ્તારમાં ગઈકાલે બપોરે વૃદ્ધાનો અછોડો લૂંટનાર ત્રણ અછોડાતોડને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
ગોત્રી ઇસ્કોન રોડ ઉપર ગઈકાલે બપોરે 78 વર્ષીય મહિલા ચાલતી જતી હતી તે દરમિયાન સ્કૂટર ઉપર આવેલા ત્રણ જણા પૈકી એક જણાએ તેમના ગળામાંથી દોઢ તોલાનો અછોડો લૂંટી લીધો હતો. બનાવને પગલે બુમરાણ મચી હતી પરંતુ અછોડા તોડ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ ની ત્રણ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ સહિતના સોર્સ મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રકાશ ઉર્ફે બુચો ધર્મેશ ભાઈ મારવાડી(પીળા વુડા ના મકાનમાં,ખોડીયાર નગર), મેહુલ કાંતિભાઈ સલાટ (રામદેવનગર-૧, આજવા રોડ) અને વિશાલ રાજુભાઈ ડાભી(પ્રભુજી પાર્ટી પ્લોટ પાસે, ખોડીયાર નગર) ને ખોડીયાર નગર ની વિનય સોસાયટી પાસેના પ્લોટમાંથી ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્કૂટર તેમજ લુટેલો અછેડો કબજે કર્યા હતા. આ પૈકી પ્રકાશ અગાઉ અછોડા તોડવાના બનાવોમાં અને મેહુલ છેતરપિંડી ના કેસ માં પકડાયો હોવાની માહિતી મળી હતી.


