Gujarat

વડોદરાઃ ત્રણ સરપંચ અને એક સભ્ય ચિઠ્ઠીથી જીત્યા, જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ વોર્ડમાં હાર્યા

By GS TEAM
25 Jun 20252 mins read
વડોદરાઃ ત્રણ સરપંચ અને એક સભ્ય ચિઠ્ઠીથી જીત્યા, જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ વોર્ડમાં હાર્યા

વડોદરાઃ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો દરમિયાન અનેક સ્થળે અપસેટ સર્જાયા હતા.મધ્યગુજરાતના ચાર સ્થળોએ ત્રણ સરપંચ અને એક સદસ્યના ચિઠ્ઠી ઉછાળીને ભાવિ નક્કી કરવામાં આવ્યા હતા.

ગ્રામ પંચાયતોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ સાથે ઉત્તેજનાનો માહોલ છવાયો હતો.કોઇ  અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ગઇકાલે સાંજ થી જ બંદોબસ્ત ગોઠવી દેવાયોે હતો અને વિજય સરઘસો સાથે પણ પોલીસ મૂકી દેવામાં આવી હતી.

ગ્રામ પંચાયતોના પરિણામો દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ગામે,ભરૃચના ઉછાલી ગામે તેમજ પંચમહાલના નાડા ગામે સરપંચના ત્રણ ઉમેદવારોને સરખા મત મળતાં ટાઇ પડી હતી અને ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લીધો હતો.જ્યારે ઝઘડિયા(ભરૃચ)ના  પીપલપાન ગામે વોર્ડનં.૧માં બે મહિલાને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળીને એક મહિલાને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

અનેક  પંચાયતોમાં અમાન્ય થયેલા મતોએ બાજી બગાડી હતી.કરજણના ગણપતપુરા ખાતે સરપંચના ઉમેદવારનો ૧૨ મતે પરાજય થયો હતો.જ્યારે અમાન્ય મતોની સંખ્યા ૧૦૦ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.આવી જ રીતે વડોદરા નજીકના કરચીયા ગામે સૌથી નાની ૨૨ વર્ષની વયની શિક્ષિત યુવતી શિતલ રયજીભાઇ માળીનો વિજય થયો હતો.કરજણના કલ્લાગામે આઝાદી બાદ પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી.જેમાં કાન્તાબેન નટુભાઇ પાટણવાડિયાનો તેમની  ભત્રીજા વહૂ સોનલ કિરણભાઇ સામે વિજય થયો હતો.તો પાદરાના દણોલી ખાતે લક્ષ્મીબેનનો માત્ર એક મતે પરાજય થયો હતો.

વડોદરા જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ ગ્રામ પંચાયતના વોર્ડની ચૂંટણી હાર્યા

વડોદરા જિલ્લામાં રણોલી ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર-૧૦માં ભારે રસાકસી હતી.સામાન્ય મહિલા સીટ પર રેખાબેન સુરેશભાઇ માછીની સામે વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ લતાબેન ચન્દ્રકાન્તભાઇ પટેલે ઉમેદવારી કરી હતી.આજે પરિણામ જાહેર થતાં રેખાબેનને ૧૮૬ મત અને લતાબેનને ૧૭૫ મત મળતાં જિલ્લા પ્રમુખનો ૧૧ મતે પરાજય થયો હતો.