Get The App

સસ્તામાં 500 ટન એલ્યુમિનિયમ ભંગારના બહાને નંદુરબાર બોલાવી ત્રણને લૂંટી લીધા

ફેસબુક પર જાહેરાત મૂકી, સુરતના ભાગીદાર વેપારીઓ જાળમાં ફસાયા : બે વેપારી, પિતરાઇને જંગલમાં બંધક બનાવી રૂ.4.63 લાખ લૂંટ્યા બાદ કાર પાસે ઉભા રાખી વિડીયો બનાવ્યો, અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચવા આવ્યા હતા

પોલીસ ફરિયાદ કરી તો મનોજ પાટીલ ઉર્ફે આરેસ સાંકીલાલ પવારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી : કાપોદ્રા પોલીસે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધ્યો

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
સસ્તામાં 500 ટન એલ્યુમિનિયમ ભંગારના બહાને નંદુરબાર બોલાવી ત્રણને લૂંટી લીધા 1 - image



- ફેસબુક પર જાહેરાત મૂકી, સુરતના ભાગીદાર વેપારીઓ જાળમાં ફસાયા : બે વેપારી, પિતરાઇને જંગલમાં બંધક બનાવી રૂ.4.63 લાખ લૂંટ્યા બાદ કાર પાસે ઉભા રાખી વિડીયો બનાવ્યો, અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચવા આવ્યા હતા 


- પોલીસ ફરિયાદ કરી તો મનોજ પાટીલ ઉર્ફે આરેસ સાંકીલાલ પવારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી : કાપોદ્રા પોલીસે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધ્યો 


સુરત, : સુરતના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના એલ્યુમિનિયમના વેપારી, તેમના બે ભાગીદાર અને પિતરાઈ ભાઈને ફેસબુક ઉપર 500 ટન એલ્યુમિનિયમનો ભંગાર સસ્તામાં વેચવાની જાહેરાત મૂકી ભેજાબાજોએ નંદુરબાર બોલાવી નજીકના જંગલમાં લઇ જઈ બંધક બનાવી રોકડ, મોબાઈલ, દાગીના મળી રૂ.4.63 લાખ લૂંટી લીધા હતા.બાદમાં ટોળકીએ તેમને કાર પાસે ઉભા રાખી વિડીયો બનાવ્યો હતો કે અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચવા આવ્યા હતા.વિડીયો બનાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર ભેજાબાજ અને અન્ય 10 થી 12 વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ તાજપર ગામના વતની અને સુરતમાં વરાછા ચીકુવાડી સ્નેહસ્મૃતિ સોસાયટી ઘર નં.27 માં રહેતા 38 વર્ષીય મુકેશભાઈ ઘનશ્યામભાઇ પટેલ અક્ષર એન્ટરપ્રાઈઝના નામે એલ્યુમિનિયમનો ભાગીદારીમાં વેપાર કરે છે.ફેસબુકમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ ગ્રુપમાં ગત 30 ઓગષ્ટના રોજ મનોજ પાટીલ આઈડી ઉપરથી 500 ટન એલ્યુમિનિયમ સ્ક્રેપની જાહેરાત મુકાતા તેમણે તેને મેસેજ કર્યો હતો.મનોજ પાટીલે પોતે મહારાષ્ટ્ર ધુલીયામાં ઓફિસ ધરાવે છે તેમ કહી સ્ક્રેપ માર્કેટ રેટ કરતા બે રૂપિયા ઓછામાં આપવાની તૈયારી દર્શાવતા મુકેશભાઈએ ભંગાર જોઈને સોદો કરવાનું કહેતા મનોજ પાટીલે તેનું ધુલીયા રેલવે સ્ટેશનની સામે આવેલી પોતાની ઓફિસનું લોકેશન છે તેમ કહી લોકેશન મોકલ્યું હતું.


મુકેશભાઈ બીજા દિવસે ત્યાં જવાના હતા પણ કામને લીધે નહીં જવાતા મનોજ પાટીલે તેના માણસને સુરત મોકલતા મુકેશભાઈ તેને કાપોદ્રા શાક માર્કેટ પાસે મળ્યા હતા.ત્યાં તે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કોઇ ગામડા વિસ્તારમાં જુના ગોડાઉન જેવા મકાનમાં ભંગાર પડેલો હતો તેના ફોટા અને વિડીયો બતાવતા મુકેશભાઈએ બીજા દિવસે સવારે ભંગાર જોવા આવીશ તેમ કહ્યું તો એડવાન્સ પેટે રૂ.50 હજાર માંગ્યા હતા.મુકેશભાઈએ મનોજ પાટીલને વાત કરતા તેણે તમે એડવાન્સ આપી જ દો, જો સોદો નહિ થાય તો કાલે તમે આવશો ત્યાં પરત આપી દઇશું તેવી વાત કરતામુકેશભાઈએ તે વ્યક્તિને રોકડા રૂ.25 હજાર આપ્યા હતા અને બીજા દિવસે ભાગીદાર પ્રિયાંગભાઇ વેકરીયા, દીશાંતભાઇ વેકરીયા અને ફોઇના દીકરા પ્રકાશભાઈ ખાનપરા સાથે તે પ્રિયાંગભાઇની કાર ( નં-જીજે-05-આરએમ-2550 ) માં નંદુરબાર ગયા હતા.રેલ્વે સ્ટેશન પહોંચી તેમણે મનોજ પાટીલને ફોન કરતા તેણે સુઝલોનની સાઈટ ઉપર છું અને ઓફિસે કોઈ નહીં હશે, તમે અહીં આવો કહી લોકેશન મોકલતા તે ત્યાંથી 30 કિ.મી દૂર ગામડાઓ અને જંગલની વચ્ચે હતું.


રસ્તામાં મનોજ પાટીલે ગેટ પાસ બનાવવા માટે કેટલા માણસો છો તેવું પૂછ્યા બાદ એક બાઈક ઉપર તેમને તેડવા એક વ્યક્તિ આવ્યો હતો અને તે જંગલમાં સુઝલોન કંપનીના બંધ જુના ખંડેર જેવા ગોડાઉનમાં લઈ જતા ત્યાં મનોજ પાટીલ મળ્યો હતો.મુકેશભાઈએ તેને ભંગાર બતાવવા કહ્યું તે સાથે જ અચાનક 10 થી 12 વ્યક્તિ ચાકુ, ગુપ્તી, છરા સાથે ત્યાં આવ્યા હતા અને તેમને મારવા લાગ્યા હતા.બાદમાં તેમને કારમાં બેસાડી અને અન્યો બાઈક ઉપર તેમને જંગલમાં અંદર લઈ ગયા હતા.ત્યાં મુકેશભાઈ, તેમના ભાગીદારો અને પિતરાઈ ભાઈ પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લઈ લીધા બાદ તેમની પાસેના સોનાના દાગીના કઢાવી તેમને ત્રણ કલાક સુધી ગોંધી રાખ્યા હતા.મુકેશભાઈ અને અન્યોએ તેમને છોડવા આજીજી કરતા તેમણે એક મોબાઈલ ફોનના રૂ.50 હજાર આપવા કહી બારકોડમાં રૂ.2 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.જોકે, એક આઈફોન પરત નહીં કરી કુલ રૂ.4.38 લાખ લૂંટી બાદમાં જંગલમાં ૨સ્તો પુરો થાય ત્યાં તેમને કાર પાસે ઉભા રાખી બળજબરીથી અમે અહીં નાના બાળકોને ડ્રગ્સ વેચતા હતા તેવો વિડીયો બનાવી જો પોલીસ ફરીયાદ કરશો તો આ વિડીયા વાયરલ કરીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા.


સસ્તામાં 500 ટન એલ્યુમિનિયમ ભંગારના બહાને નંદુરબાર બોલાવી ત્રણને લૂંટી લીધા 2 - image

મનોજ પાટીલ અને ટોળકી આ રીતે ઘણા વેપારીઓને બોલાવી લૂંટતી હોવાની આશંકા 


સુરતના વેપારીને કહ્યું હતું કે ઘણા વેપારી સસ્તામાં લેવાની લાલચે આવે છે, જો કશું નહીં આપે તો તેમને મારી જનાવરોને ખવડાવી દઈએ છીએ 


સુરત, : સુરતના વેપારી મુકેશભાઈ સહિત ચારને સસ્તામાં એલ્યુમિનિયમ વેચવાનું કહી નંદુરબારથી 30 કિ.મી દૂર જંગલમાં લઈ જઈ ત્યાં બંધક બનાવી લૂંટી લેનાર મનોજ પાટીલ અને ટોળકી આ રીતે ઘણા વેપારીઓને બોલાવી લૂંટતી હોવાની આશંકા છે.મનોજ પાટીલે મુકેશભાઈને લૂંટતા પહેલા ધમકી આપી હતી કે અહીં રોજ તમારા જેવા વેપારીઓ એલ્યુમિનિયમની લાલચે આવે છે.અમે તેમને બંધક બનાવી તેની પાસે જે હોય તે લઇ લઇએ છીએ અને જે ના પાડે તેને મારી આજ જંગલમાં જનાવરોને ખવડાવી દઇએ છે.



આરોપીઓ અંદરોઅંદર મરાઠી, હિન્દી, ગુજરાતીમાં વાત કરતા હતા 


સુરત, : અંદરોઅંદર મરાઠી, હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા તેઓ મનોજ પાટીલને આરેસ સાંકીલાલ પવાર તરીકે બોલાવતા હતા.જયારે અન્યો એકબીજાને પીંકેશ, ભુરીયા, કુશ, સુર્યા, કાનેશ, લદ્રેશ, જગદીશ નામોથી બોલાવતા હતા.સુરત આવ્યા બાદ મુકેશભાઈએ મનોજ પાટીલ ઉર્ફે આરેસ સાંકીલાલ પવાર તથા તેની સાથેના બીજા અન્ય 10 થી 12 વ્યક્તિ વિરુદ્ધ કુલ રૂ.4.63 લાખની મત્તાની લૂંટની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવતા પીએસઆઇ એમ.બી વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :