Gujarat

અખબારનગર,મકરબા,બોપલમાં કારમાં ફસાયેલા ત્રણ લોકોને બહાર કઢાયા

By GS TEAM
19 Jun 20253 mins read
અખબારનગર,મકરબા,બોપલમાં  કારમાં ફસાયેલા ત્રણ લોકોને બહાર કઢાયા

અમદાવાદ,ગુરુવાર,19 જુન,2025

મકરબા પોલીસ હેડ કવાટર્સ અને બોપલ ગામ ગરનાળામાં કારમાં પસાર થતા ત્રણ લોકોને  સલામત બહાર કઢાયા હતા.મકરબા પોલીસ હેડ કવાટર્સ પાસે કારમાં ફસાયેલા વ્યકિતને લોકોએ બહાર કાઢયો હતો.બોપલ ગામથી પ્રભુકૃપા સોસાયટી તરફ જતા ગરનાળામાં વરસાદી પાણીમાં  કાર લઈ પસાર થતા બે લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત બહાર કઢાયા હતા.અખબારનગર અંડરપાસમાં કાર વરસાદી પાણીમાં ફસાતા ફાયર વિભાગે કારચાલકને બહાર કાઢયો હતો.ગુલબાઈ ટેકરા પાસે એક કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.

ગુરુવારે મધરાતે પડેલા ત્રણ ઈંચ વરસાદ પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખ અને કોર્પોરેશનના અધિકારીઓ તંત્રના બચાવ માટે મિડીયા સમક્ષ આવ્યા હતા.જયાં તેમણે કહયુ, શહેરમાં સો ટકા સ્ટ્રોમ વોટર લાઈન નાંખી શકયા નથી.જેના પરિણામે સોથી વધુ સ્થળે વરસાદી પાણીનો નિકાલ કરવામાં વધુ સમય લાગ્યો હતો. ૩૦ જુન-૨૫ સુધીમાં ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નંખાઈ જશે એ પછી નિકોલ અને મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનની કામગીરી પણ ૩૦ જુન સુધીમાં પુરી કરી લેવાશે જે પછી પશ્ચિમના વિસ્તારોમા પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં રહે એવો તેમણે દાવો કર્યો હતો.

        મકાન ધરાશાયી થવાના બનાવ કયાં-કયાં?

૧.ગોમતીપુર ડેમોક્રેટીક સ્કૂલ પાસે,૨.ધનાસુથારની પોળની અંદર આવેલી સોનીની પોળમાં બંધ મકાન,૩.નવલરામનો ખાંચો,ઘાંચીની પોળ,માણેકચોક

અંડરપાસમાં લગાવેલા સેન્સર સાથેના બુમ બેરીયર ગેટ પણ કામે ના લાગ્યા

કોર્પોરેશન દ્વારા અખબારનગર સહિતના અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં ઓટોમેટીક ગેટ બંધ થઈ જાય એ માટે સેન્સર સાથેના બુમ બેરીયર લગાવવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે આ બુમ બેરીયર ગેટ પણ કામ લાગ્યા નહતા. અખબારનગર અંડરપાસમાં દોઢ ફુટ સુધી વરસાદી પાણી ભરાતા દરવાજા બંધ કરવા પડયા હતા.

ફાયર વિભાગને ૨૪ કલાકમાં મળેલા કોલ

વૃક્ષ ધરાશાયી  ૧૨

મકાન પડવાના ૦૪

બચાવ કોલ    ૦૯

ગાડી ઉપર ઝાડ    ૦૨

અખબારનગર અંડરપાસ દસ કલાક પછી શરુ કરાયો

૧૯મીએ મધરાતે બે કલાકે અખબારનગર અંડરપાસ વરસાદી પાણી ભરાતા બંધ કરાયો હતો.જે બપોરે ૧૨.૩૦ કલાકે ફરી શરુ કરાયો હતો.મીઠાખળી અંડરપાસ સવારે ૬.૧૫ કલાકે, પરિમલ અંડરપાસ સવારે ૪.૨૭ કલાકે, મકરબા અંડરપાસ સવારે ૪.૧૫ કલાક તથા ડી-કેબીન અંડરપાસ બપોરે ૧૨ કલાકે ખોલવામા આવ્યો હતો.

લોકોના ઘરોમાં દોઢથી બે ફુટ પાણી ભરાયા

ગુરુવારે મધરાતે પડેલા ભારે વરસાદના પગલે નિકોલમાં આવેલા મધુમાલતી આવાસ સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં દોઢથી બે ફુટ સુધી વરસાદી પાણી ભરાયા હતા.લોકોના ઘરોમાં આ પરિસ્થિતિ હોય તો બહાર શુ પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી રહી.

સ્ટર્લિંગ સીટીમાં પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં તકલીફ પડી

બોપલમાં આવેલા સ્ટર્લિંગ સીટીમાં ભારે વરસાદના કારણે બે ફુટ સુધી વરસાદી પાણી ભરાતા ટીસીએસની પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં પરીક્ષાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી હતી.

 આઠ કલાકથી વધુ પાણી રહયા હોય એવા સ્થળ કયાં?

વિસ્તાર         સ્થળ

મકતમપુરા     ફલ્કનુમા

સરખેજ         એપલવુડ

ગોતા           બાદલનગર

ગોતા           બંધન ટ્રાય એંગલ

શાહીબાગ       એમ.એસ.એપાર્ટમેન્ટ રોડ

વસ્ત્રાલ         પંચ રત્ન આવાસ

વસ્ત્રાલ         જમુના પાર્ક સોસાયટી

નિકોલ          મધુમાલતી આવાસ પાસે

રાણીપ         કાળીગામ અંડરપાસ

રાણીપ         ડી-કેબીન અંડરપાસ

પાલડી ,વાસણા,જોધપુર સહિત છ ભુવા પડયા

પાલડી ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા એક તરફનો રોડ બેસી ગયો હતો.વાસણા વિસ્તારમાં શાક માર્કેટ,સુભાષ ટાવર સામે, જોધપુર વિસ્તારમાં સોનાલી એપાર્ટમેન્ટ સામે, અવધતીર્થ એપાર્ટમેન્ટ સહિત કુલ છ સ્થળે ભુવા પડતા  પુરવાની કામગીરી શરુ કરાઈ છે.

વરસાદી પાણી બે કલાકથી વધુ સમય કયાં રહયા?

૧. મકરબા પોલીસ હેડ કવાટર્સ

૨. બોપલ સ્ટર્લિંગ સીટી

૩. નારોલથી વિશાલા તરફના રોડ ઉપર

૪. ભૈરવનાથ રોડ ઉપર,મણિનગર

૫.એસ.જી.હાઈવે સર્વિસ રોડ

૬.સોનલ સિનેમા રોડ

૭.શિવરંજની,જોધપુર

૮. તીન બત્તી,મકતમપુરા

૯. જલસા પાર્ટી પ્લોટ, થલતેજ

૧૦.ન્યુયોર્ક ટાવર, થલતેજ

૧૧. નીતીબાગ સોસાયટી,ગોતા

૧૨. કુમુદનગર,  ગોતા

૧૩. છોટાલાલની ચાલી, ઓઢવ

૧૪. હરીવીલા,   ગોતા

૧૫.તેજધારા સોસાયટી,જોધપુર

રાત દરમિયાન કયાં સૌથી વધુ વરસાદ વરસ્યો?

વિસ્તાર વરસાદ(મિ.મી.)

રામોલ         ૯૬.૫૦

નિકોલ          ૯૪.૦૦

કઠવાડા        ૮૮.૦૦

વિરાટનગર     ૮૫.૫૦

ઉસ્માનપુરા     ૮૫.૫૦

ઓઢવ          ૮૩.૫૦

દૂધેશ્વર         ૮૧.૫૦

નરોડા          ૮૧.૫૦

ચાંદલોડીયા    ૭૬.૫૦

વટવા          ૭૪.૫૦