ધ્રાંગધ્રાની રિધ્ધિ-સિધ્ધિ સોસા.માં મહિલા સહિત ત્રણ વ્યક્તિ પર હુમલા
સોસાયટીમાં ક્રિકેટ રમવાની ના પાડતા
બે મહિલા સહિત ચાર શખ્સએ ધોકા વડે હુમલો કરતા ત્રણને ઇજા : ચાર શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના કાલાબાવાની દરગાહ પાસે છોકરાઓને શેરીમાં ક્રિકેટ રમવા બાબતે મનદુઃખ થતાં બે મહિલા સહિત ચાર શખ્સોએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને લાકડાના ધોકા વડે મારમારી ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ધ્રાંગધ્રા સીટી પોલીસે ચાર શખ્સો ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રિધ્ધિ-સિધ્ધિ સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ કાસમભાઈ જરગેલાની શેરીમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા ત્યારે દડો અલ્તાફભાઈની દીકરીને વાગતા પાછો આપ્યો ન હતો. છોકરાઓએ આ અંગે પરિવારને જાણ કરતા શેરીમાં ક્રિકેટ નહીં રમવાનું જણાવતા અલ્તાફભાઈની દિકરીએ દડો પરત આપી દીધો હતો.
જેનું મનદુઃખ રાખી બે મહિલા સહિત ચાર શખ્સોએ અલ્તાફભાઈના ભાભી ખુશ્બુબેનને હાથના બાવડા પર લાકડાના ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ અલ્તાફભાઈના ભાઈ સોહિલભાઈને પણ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને ફરિયાદીને માથાના ભાગે લાકડાના ધોકા વડે મારમારી ઢીકા-પાટુનો પણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે અલ્તાફભાઈએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ઈલીયાસભાઈ આદમભાઈ જરગેલા, રૂકસાદબેન ઈલીયાસભાઈ જરગેલા, મોજીદ મહેમુદભાઈ ભદ્રાસીયા અને હસીનાબેન મહેમુદભાઈ ભદ્રાસીયા (તમામ રહે.રિધ્ધિ-સિધ્ધિ સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી છે.