જામનગર-રાજકોટ હાઇવે રોડ પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
Jamnagar : જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ફલ્લા ગામથી જામનગર સુધી રીક્ષાની રેસ લગાવી કેટલાક રીક્ષા ચાલકો જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ.શેખ અને તેઓની ટીમને મળી હતી, જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે ફલ્લા જામનગર હાઇવે રોડ પર ખીજડિયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી.
જે વોચ દરમિયાન જુદી જુદી બે રીક્ષાઓ સ્પીડમાં રેસ લગાવીને જઈ રહેલી નજરે પડી હતી. આથી પોલીસે નાકાબંધી કરી બન્ને રીક્ષા ચાલકોને આંતરિક લીધા હતા. જેમાં ત્રણ વ્યક્તિ બેઠા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે ત્રણેય રીક્ષા ચાલકોનું નામ અમિત કિશોરભાઈ સોલંકી અને ગુલાબ નગર વિસ્તારમાં રહેતા હોવાનું, બીજા કિરણ મનોજભાઈ મકવાણા અને સાત રસ્તા પાસે રહેતા હોવાનું, તેમજ ત્રીજા રાહુલ વિજયભાઈ રાઠોડ અને ભોયવાડા વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણે રીક્ષા ચાલકો પાસેથી રૂપિયા 15,250 ની રોકડ રકમ અને 1,80,000ની કિંમતની બે ઓટો રીક્ષા કબજે કરી લઈ ત્રણેય સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.