જામનગરના લાલખાણ વિસ્તારમાં ઘોડીપાસાના જુગાર ઉપર પોલીસના દરોડા સમયે નાસભાગ, ત્રણ શખ્સો પકડાયા
Jamnagar : જામનગરના લાલખાણ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, ત્યારે નાસભાગ થઈ હતી અને ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા, જ્યારે ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.
જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે લાલખાણ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા આબિદ અહમદભાઈ ખફી, આરીફ મોહમ્મદભાઈ પુંજાણી, તેમજ રૂમાન અલ્તાફભાઈ ખફી નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,100 ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સામાન કબજે કર્યો છે.
આ દરોડા સમયે હબીબ મુસાભાઈ ખફી, શકીલ સુમરા તેમજ અયાન ચાકી નામના ત્રણ શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ છે.