Gujarat

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી

By GS TEAM
3 Oct 20251 min read
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર નિર્જન જગ્યાએ મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે વધુ ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે સગીરા તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી.

હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને આ કેસની ટ્રાયલ અઠવાડીયામાં બે દિવસ ચાલી રહી છે ત્યારે આજે વધુ ત્રણ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, બનાવના સંદર્ભમાં બે વેપારીઓએ પોલીસને સીસીટીવી ફુટેજ પુરા પાડયા હતા એટલે આજે આ બન્ને વેપારીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે જે પોલીસ જવાને સીસીટીવી ફુટેજ કબજે કર્યા હતા જે પોલીસ જવાનની પણ જુબાની લેવામાં આવતાં આ કેસમાં અત્યાર સુધીમાં ૨૨થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યાં છે.