પોલીસની હાજરીમાં આતંક મચાવવા બદલ ત્રણ શખ્સો સામે આખરે ગુનો

ન્યુ ગાંધીનગરમાં સરગાસણ ચોકડી પાસે
નજીવી બાબતે બખેડો કરવા સાથે હોમગાર્ડ, પેટ્રોલિંગની પોલીસ અને પીસીઆર વાન આવી જવા છતાં આરોપીઓ ગાંઠયા ન હતાં
ગાંધીનગર : ન્યુ ગાંધીનગરમાં સરગાસણ ચોકડી પાસે બુધવારની રાત્રે બેફામ કાર ચલાવવા બદલ યુવતીએ ધ્યાન રાખવાનું કહ્યાના પગલે યુવતીના ભાઇઓને માર મારવાની સાથે પોલીસની હાજરીમાં બખેડો કરવા બદલ આખરે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. નજીવી બાબતે આતંકનો માહોલ સર્જનારા આરોપીઓ હોમગાર્ડ, પેટ્રોલિંગની પોલીસ અને પીસીઆર વાન આવી જવા છતાં તેમને ગાંઠયા ન હતાં. જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
સેક્ટર ૭ પોલીસ મથકની પીસીઆર વાનના ડ્રાઇવર કોન્સટેબલ નવિનકુમાર
બકાજીએ સરકાર તરફે ફરિયાદી બનીને આ પ્રકરણમાં ગાંધીનગરના કોલવડા ગામના રહેવાસી મનોજસિંહ
સોલંકી, તેની સાથેના
મિત્ર જયજીતસિંહ બારડ અને તેનો પક્ષ લઇને આવેલા અજાણ્યા શખ્સ સામે પોલીસ અને સેંકડો
લોકોની હાજરીમાં ઝગડો અને મારામારી કરીને જાહેરમાં બખેડો કરવા સબબની ફરિયાદ નોંધાવી
છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે સરગાસણ ચાર રસ્તા પાસે પોલીસ ચોકીની બાજુમાં આરોપીઓએ
બખેડો કર્યો હતો. મનોજસિંહ અને તેને મિત્ર જયજીતસિંહ ગાડી લઇને નીકળ્યા ત્યારે તરાશાબેન
શર્મા નામની યુવતી અને તેના બે ભાઇઓ બાઇક પર જતા હતાં. તેની એકદમ નજીકથી ગાડી કાઢતાં
તરાશાબેન ધ્યાન રાખીને ગાડી ચલાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતાં અને મારામારી કરવા
પર ઉતરી આવ્યા હતાં. ત્યાં હાજર હોમગાર્ડ જવાને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પેટ્રોલિંગમાં
રહેલી પોલીસ ટીમ ત્યાં પહોંચી અને દરમિયાનગીરી કરવા છતાં માર મારવાનું ચાલુ રાખતા પીસીઆર
વાનને બોલાવવામાં આવી હતી. છતાં આરોપીઓે બખેડો ચાલુ રાખ્યો હતો. આખરે તમામને પોલીસ
સ્ટેશન લઇ જવામાં આવ્યા હતાં. બુધવાર રાત્રીના આ ચર્ચાસ્પદ બનાવ સંબંધે આખરે ગુનો દાખલ
કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.








