Gujarat

ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો

By GS TEAM
14 Sep 20252 mins read
ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો

તું સુરેશનું નામ લેતો નહીં, નહિતર જીવતો નહીં રહેવા દઈએ

ગામના વ્યક્તિ દ્વારા શખ્સોને બોલાવીને માર મારવામાં આવ્યો ઃ ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ જેટલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ગામના શખ્સનું નામ નહીં લેવા માટે ધમકી આપવામાં આવી હતી. જેથી આ મામલે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર નજીક આવેલા ગોળવંટા ગામમાં રહેતા અને ખેતી કરતા કાનાજી ઉર્ફે લાલાજી કલાજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત શુક્રવારના રોજ તેઓ તેમની કાર લઈને ગોળવંટા ગામથી વલાદ ગામ તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ તેમને ઈશારો કરીને ગાડી ઊભી રખાવી હતી જ્યારે કાનાજીએ ગાડી રોકી, ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે સામે ઊભેલા માણસો તેમને બોલાવી રહ્યા છે.કાનાજી ગાડી લઈને તે ત્રણ વ્યક્તિઓ પાસે ગયા હતા જ્યારે તેમણે ગાડીનું લોક ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાંથી બે વ્યક્તિઓ પાછળની સીટમાં અને એક વ્યક્તિ તેમની બાજુની સીટમાં બેસી ગયા હતા. કાનાજી કંઈ સમજે તે પહેલાં, હુમલાખોરોએ તેમની સાથે ઝપાઝપી શરૃ કરી હતી. એક હુમલાખોરે કાનાજીના ગળામાં સીટબેલ્ટ વીંટી દીધો.થોડી જ મિનિટોમાં, આ સ્થળે ગામનો જ સુરેશ ગણપતજી ઠાકોર આવ્યો હતો. ગાડીમાં બેઠેલા હુમલાખોરોમાંથી એકે સુરેશને બતાવીને કાનાજીને ધમકી આપી કે જો તે સુરેશનું નામ લેશે અથવા તેના કામમાં દખલ કરશે, તો તેઓ તેને જીવતો નહીં રહેવા દે.ધમકી આપ્યા બાદ, સુરેશ ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ત્રણેય હુમલાખોરો પણ નીચે ઉતરીને કાનાજીને ગાડીમાંથી બહાર પાડીને ત્યાંથી ચાલીને ભાગી ગયા હતાં. જેથી તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલ પહોંચ્યા હતા. હાલ આ મામલે ડભોડા પોલીસ દ્વારા સુરેશ ગણપતિ ઠાકોર સામે ગુનો દાખલ કરીને અન્ય ત્રણ શખ્સોની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.