Gujarat

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત

By GS TEAM
17 Oct 20252 mins read
દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત

દહેગામના ઝાક-કડાદરા રોડ પર આવેલી ફેક્ટરીમાં

શ્રમિક લોખંડનો ખાટલો લઈ જતો હતો તે દરમિયાન વીજ વાયરને અડી જતા બચાવવા ગયેલા બે મોતને ભેટયા

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામની ઝાક જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં દિવાળીમાં ઘરે જવાની તૈયારી કરતા મજુર લોખંડનો ખાટલો નીચે ઉતારતો હતો તે સમયે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા ગયેલા બે મજૂરોના વિજ કરંટને કારણે સ્થળ ઉપર જ મોત થયા હતા. જે સંદર્ભે હાલ દહેગામ પોલીસે અકસ્માતે મોત દાખલ કર્યું છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામના ઝાક કડાદરા રોડ ઉપર જય ગોગા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જે લાઈનર બનાવે છે. જેમાં પર પ્રાંતમાંથી આવેલા શ્રમિકો કામ કરી રહ્યા છે. હાલ દિવાળી પર્વ હોવાથી આ શ્રમિકો તેમનું કામ પતાવીને વતન જવાની તૈયારી કરી રહ્યા હતા. જેના ભાગરૃપે સતીશ લોખંડનો ખાટલો નીચે ઉતારી રહ્યો હતો તે સમયે ખાટલો વીજળીના તારને અડી જતા શોર્ટ સકટ થઈ હતી અને તેને કરંટ લાગ્યો હતો. જેના પગલે ત્યાં હાજર બિહારના અન્ય બે મજૂરો જ્ઞાાનીપંડિત રામવૃક્ષ પંડિત કુંભાર અને રાજકુમાર ભોલા મહંતો તેને બચાવવા માટે દોડી ગયા હતા. જોકે જ્ઞાાની પંડિત અને રાજકુમાર બંનેને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને કરંટને કારણે તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા. જે ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ સતીશને તાત્કાલિક સારવાર માટે નરોડા ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોત દાખલ કર્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતા યુજીવીસીએલના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને આ ઘટનાની તપાસ શરૃ કરી હતી. દિવાળી પર્વમાં બનેલી આ ઘટનાને પગલે જીઆઇડીસી વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.