Get The App

એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ

જ્વેલરીનો વ્યવસાય કરતા ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

ગાંધીનગર, ધોળકા સહિતના વિસ્તારમાં એક્ઝીબીશનનું આયોજન કર્યુ હોવાનું કહીને સી જી રોડ સ્થિત જ્વેલર્સ પાસેથી દાગીના લીધા હતા

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ 1 - image

અમદાવાદ,બુધવાર

નવરંગપુરા સી જી રોડ પર આવેલા જ્વેલર્સને વિશ્વાસમાં લઇને એક્ઝીબીશન યોજવાનું હોવાનું કહીને જ્વેલરીનો વ્યવસાય કરતા ત્રણ શખ્સોએ રૂપિયા ૬.૧૦ કરોડની કિંમતના સોનાના દાગીના મેળવીને પરત નહી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીઓએ અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જ્વેલર્સ સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે.

 

એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ 2 - imageસેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર હેલ્સીઓન એપાર્ટમેન્ટમાં રહેતા ઋષભ શાહ સી જી રોડ સુપર મોલમાં  ખાતે ઋષભ જ્વેલર્સના નામથી વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૭થી તે સોનાના દાગીનાનો વ્યવસાય કરતા હરેશ શાહ (રહે. મંગલમ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ) અને તેમનો ભાણો નિકેશ શાહ ( શુકન હોમ્સ, ન્યુ રાણીપ)  તેમજ  પુત્ર હર્ષ શાહને ઓળખતા હતા. તેમણે છેલ્લાં બે વર્ષમાં ઋષભભાઇ પાસેથી અલગ અલગ સમયે ૧.૩૩ કરોડના દાગીના ખરીદીને નક્કી સમય મર્યાદામાંં  નાણાં ચુકવીને સંબધ કેળવ્યો હતો. થોડા મહિના પહેલા ત્રણેય જણા ઋષભભાઇને મળ્યા હતા અને તેમણે  જણાવ્યું હતું કે  તેમના દ્વારા ગાંધીનગર, ધોળકા તેમજ અન્ય શહેરોમાં સોનાના દાગીનાનું એક્ઝીબીશન યોજવાનું છે. જેથી તેમને છ કીલો જેટલા સોનાના દાગીનાની જરૂર છે. જેનું પેમેન્ટ તે નક્કી કર્યા મુજબ ચુકવશે અને આ પેટે તેમણે ચેક પણ આપ્યો હતો.

જેથી વિશ્વાસ કરીને ઋષભભાઇએ તેમને રૂપિયા ૬.૧૦ કરોડની કિંમતના અલગ ડીઝાઇનના સોનાના દાગીના આપ્યા હતા અને જે દાગીના વધે તે એક્ઝીબીશન પૂર્ણ થતા પરત આપશે તેમ કહ્યું હતું.  એક મહિના બાદ ઋષભભાઇએ ચેક ડીપોઝીટ કરતા ભંડોળ ન હોવાના કારણે પરત થયો હતો. બીજી તરફ ઋષભભાઇને જાણવા મળ્યું હતું કે  હરેશ શાહ, નિકેશ શાહ અને હર્ષ શાહે અમદાવાદમાં અન્ય જ્વેલર્સ સાથે પણ મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરીને કરોડો રૂપિયાના દાગીનાની ઉચાપત કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એ ગઢવીએ તપાસ શરૂ કરી છે. જેમાં હજુ અન્ય ફરિયાદ નોંધાઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.