વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા
જિલ્લામાં પણ મેઘમહેર ઃ બે દિવસ સતત વરસાદથી તાપમાનમાં આંશિક ઘટાડો
વડોદરા, તા.4 વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે રાત્રે ૧૦થી આજે રાત્રે ૮ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. આ સાથે તાપમાનમાં પણ સાધારણ ઘટાડો નોંધાયો છે.
હવામાનખાતાની આગાહી મુજબ ગઇકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલના કારણે જનજીવનને પણ અસર થઇ છે. ગઇકાલે રાત્રે મેઘરાજા ધમધોકાર વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. મુક્તાનંદ ત્રણ રસ્તા, રાવપુરા, લહેરીપુરા ગેટ, દાંડિયાબજારરોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર થઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આજે પણ સવારથી આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું હતું અને ધીમી ધારે સતત વરસાદ વરસ્યો હતો. બે દિવસથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યાથી આજે રાત્રે ૮ વાગ્યા સુધી વડોદરા શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સાવલી તાલુકામાં ૭ મિમી, વાઘોડિયામાં ૯, ડભોઇમાં ૨૧, પાદરામાં ૪૪, કરજણમાં ૨૨, શિનોરમાં ૪૫ અને ડેસર તાલુકામાં ૨૧ મિમી વરસાદ નોંધાયો છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો ઘટાડો થતાં ૩૩ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાનમાં પણ ૦.૮ ડિગ્રી ઘટાડો થતાં ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમ અને દક્ષિણના ૧૦ કિ.મી. પવનની દિશા તેમજ હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૨ અને સાંજે ૬૫ ટકા નોંધાયું છે.