Get The App

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ 1 - image

'તારે દુકાન ચલાવવી હોય તો મને પાંચ હજારનો હપ્તો આપવો પડશે'

યુવાનના મોટા ભાઇ સાથે માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડતા ત્રણેય લુખ્ખાઓએ ધોકો કપાળમાં ઝીંકી દેતા ઇજા

રાજકોટ: શાપર નજીક પારડી પાસે પાનની દુકાન ચલાવતાં યુવાને હપ્તો દેવાની ના પાડતા ત્રણ શખ્સોએ માથાકૂટ શરૂ કરી હતી.આ સમયે યુવાનને છોડવવા વચ્ચે પડેલા તેના નાના ભાઇ ભરતભાઇ મોહનભાઇ સોયા (ઉ.વ.૩૫, રહે. રાધેશ્યામ સોસા. શિતળા મંદિર પાસે પારડી) પર ત્રણેય શખ્સોએ ધોકા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

શાપર પોલીસે આ અંગે ભરતભાઇની ફરિયાદ પરથી સાગર, યોગેશ ઉર્ફે બાલો અને રાજદીપ ઉર્ફે રાફીયો (રહે. બધા પારડી) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ભરતભાઇએ પોલીસને જણાવ્યું કે, તે શાપરમાં કારખાનામાં મજૂરી કામ કરે છે ગઇ કાલે રાત્રે તે કારખાનેથી આવી ઘરેથી નજીકમાં આવેલી મોટાભાઇ લલીતભાઇની ઝાલાવાડી પાનની દુકાને પાનમાવો ખાવા જવા રવાના થયો હતો. દુકાન નજીક પહોંચતા તેના ભાઇ લલીત સાથે ત્રણેય આરોપીઓ માથાકૂટ કરતા હોવાથી તેને તેના ભાઇને પૂછતા તેને જણાવ્યું હતું કે આરોપી સાગર આપણી દુકાને આવી તારે અહીંયા દુકાન ચલાવવી હોય તો દર માસે પાંચ હજારનો હપ્તો આપવો પડશે તેમ કહીં પરાણે વસ્તુ કાઢી લીધી હતી.

આથી તેણે પૈસા આપવાની ના પાડતાં ત્રણેય આરોપીઓ ખાર રાખી માથાકૂટ કરતા હોવાનું જણાવ્યુ હતું. આથી તે તેના ભાઇને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ આજે તો તને મારી નાખવો છે તેમ કહીં ધારદાર ખૂણા વાળા લાકડાનો ધોકો કપાળનાં ભાગે ઝીકી દેતાં લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ તેણે નીચે પછાડી ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ સમયે બંને ભાઇઓએ દેકારો કરતા લોકો એકઠા થઇ જતાં ત્રણેય આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા અને જતાં જતાં આજે તો તુ બચી ગયો છો હવે પછી ભેગો થા એટલે તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી દીધી હતી.