સામાન્ય ઝઘડામાં તું અહીંનો દાદો છે કહી ત્રણ મિત્રોએ યુવાનને ચપ્પુના ઘા ઝીંક્યા
પાલનપુર જકાતનાકાની વિદ્યાકુંજ સ્કુલ પાસે હસીમજાકમાં ઝઘડો થયો હતો, સમાધાનના બ્હાને બોલાવી ચપ્પુના ઘા ઝીંકી દીધા
સુરત તા. 15 જુલાઇ 2020 બુધવાર
પાલનપુર જકાતનાકા વિદ્યાકુંજ સ્કુલ નજીક બે દિવસ અગાઉ હસીમજાકમાં થયેલા ઝઘડામાં ગત રાત્રે સમાધાનના બ્હાને બોલાવી યુવાનને ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા અડાજણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર ત્રણ મિત્રોની શોધખોળ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતામાં નોકરી કરતો મયુર કૌશિક વાર્લેકર (ઉ.વ. 27 રહે. વાત્રક એપાર્ટમેન્ટ, ઉગત-ભેંસાણ રોડ) અને તેના બે મિત્ર મેહુલ રમેશ ખલાસી (ઉ.વ. 28) અને રાહુલ રમેશ કદમ સાથે સોમવારે રાત્રે પાલનપુર જકાતનાકા વિસ્તારની વિદ્યાકુંજ સ્કુલ નજીક સામે સહયોગ એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા. તે દરમ્યાન તેમના અન્ય મિત્ર કરણ ઉર્ફે ગોલ્ડન ભરત તિડકે (ઉ.વ. 27 રહે સંત જ્ઞાનેશ્વર સોસાયટી, પાલનપુર જકાતનાકા), અક્ષય ઉર્ફે બાબુ માઉન્ટ પ્રકાશ એપારલ્લે (ઉ.વ. 25 રહે. માઉન્ટ એવન્યુ એપાર્ટમેન્ટ, પાલ રોડ) અને ભાવિક ઉર્ફે બટ્ટુ ગોવિંદ જામકર પણ બેઠા હતા. દરમ્યાનમાં હસીમજાકમાં ડી.જે માં મ્યુઝીક ઓપરેટર તરીકે કામ કરતા મેહુલ ખલાસી અને ભાવિક ઉર્ફે બટ્ટુ સાથે સામાન્ય બોલાચાલી બાદ બંન્ને ઉગ્ર ઝઘડો થયો હતો.
જો કે મયુર અને રાહુલે બંન્ને છુટા પાડયા હતા. ત્યાર બાદ મંગળવારે કરણે મયુરને દિવસ દરમ્યાન વારંવાર ફોન કરી મેહુલને મળવા બોલાવ અમારે તેની સાથે સમાધાન કરવું છું એમ કહ્યું હતું. જેથી ગત રાત્રે મયુરે મેહુલને સમાધાન માટે બોલાવ્યો હતો. તે દરમ્યાન કરણ ઉર્ફે ગોલ્ડન, ભાવિક અને અક્ષય મેહુલ ખલાસીને વાત કરવા સાઇડ પર લઇ ગયા હતા અને તું અહીંનો દાદો છે તેમ કહી ચપ્પુ વડે હુમલો કરી છાતી, કમર, પગના પંજા અને હાથના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. મેહુલ પર હુમલો થતા મયુર અને રાહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને તુરંત જ તેમના બીજા મિત્રોને જાણ કરી હતી. જેથી તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મેહુલ ખલાસીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે અડાજણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર ત્રણેય મિત્રોની શોધખોળ હાથ ધરી છે.