ભાવનગરમાં પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા ત્રણ પેઢીને રૂા. 2 લાખનો દંડ
- લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કેસ દાખલ કર્યો હતો
- એડ્જ્યુડીકેટીંગ ઓફિસરે જય જગદીશ, ક્રિષ્ના નમકીન અને મિલ્કીરામ દીપચંદ નામની પેઢીને દંડ ફટકાર્યો
મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે નમૂના લેવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે ગત તા. ૮ જાન્યુઆરી-ર૦રપ ના રોજ સરદારનગર ખાતે આવેલ ક્રિષ્ના નમકીન નામની દુકાનમાંથી જે.જે.રીફાઈન પામોલીન ઓઈલનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ ગત તા. ૧ માર્ચના રોજ આવ્યો હતો. પામોલીન ઓઈલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો અને ત્યારબાદ ગત તા. ૧૮ જુને કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગત તા. રપ જુલાઈએ આ કેસ ચાલી જતા એડ્જ્યુડીકેટીંગ ઓફિસરે ત્રણ વેપારીને કુલ રૂા. ર લાખનો દંડ ફટકાર્યો હતો, જેમાં જય જગદીશ, (મેન્યુફેકચરીંગ, બંદર રોડ)ને રૂા. ૧ લાખ, મિલ્કીરામ દીપચંદ (આંબાચોક, હોલસેલ)ને રૂા. પ૦ હજાર અને ક્રિષ્ના નમકીન (રીટેલ વેપારી, સરદારનગર)ને રૂા. પ૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ વેપારીઓ હજુ અપીલમાં ગયા છે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા કડક નિયમ કરવા જરૂરી
ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે અને દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ નિયમ હળવા હોવાનુ જણાય રહ્યુ છે. ખાદ્યપદાર્થના નમૂના ફેઈલ આવ્યા બાદ વેપારી પેઢીને સામાન્ય દંડ કરવામાં આવે છે, જેનાથી ખાસ ફેર પડતો નથી ત્યારે વેપારી પેઢીને સીલ મારવા સહિતના કડક નિયમ બનાવવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.