પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
Porbandar Accident News: પોરબંદર-રાજકોટ હાઈવે પર કુતિયાણા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પતિ, પત્ની અને સાળા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, તેમના પત્ની આશાબેન માલદેભાઈ ભૂતિયા અને સાળા જયમલ વિંજા રાજકોટ ખાતે તલાટીની પરીક્ષા આપીને પોરબંદર પરત ફરી રહ્યા હતા. તેમની સાથે એક બાળકી પણ કારમાં સવાર હતી.
કુતિયાણા-પોરબંદર હાઈવે પર અચાનક તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, માલદેભાઈ ભાયાભાઈ ભૂતિયા, આશાબેન માલદેભાઈ ભૂતિયા અને જયમલ વિંજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ માર્ગ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે.