લાઈવ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ત્રણ ઝડપાયા
ત્રણ મોબાઇલ અને રોકડા મળી ૮૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
જરોદ.શહેર નજીક આવેલા કોટંબી સ્ટેડિમ ખાતે ચાલતી વુમન પ્રિમિયર લીગની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમવા આવેલા ત્રણ પરપ્રાંતિયને જરોદ પોલીસે ઝડપી પાડયા હતા.પોલીસે બે અલગ - અલગ કેસ દાખલ કરી ત્રણની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જરોદ નજીક આવેલા કોટંબી સ્ટેડિયમમાં વુમન પ્રિમિયર લીગની મેચ દરમ્યાન જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં હતો. તે દરમિયાન પીઆઈ જે.એ બારોટને બાતમી મળી હતી કે, પશ્ચિમ વિંગમાં લેવલ-૨ માં પીળા કલરની શીટોમાં બે વ્યક્તિઓ બેઠા છે. જે પૈકી એક વ્યક્તિએ કથ્થાઈ કલરનું ટી-શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ તેમજ બીજાએ સફેદ ટી-શર્ટ તથા બ્લૂ કલરનું જીન્સ પેન્ટ પહેર્યુ છે. તેઓ ચાલુ મેચ દરમિયાન મોબાઈલ ફોનમાં આઇ.ડી રાખી લાઈવ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમે છે. જેથી, પોલીસે ત્યાં પહોંચી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા સ્ટેડિયમ ખાતે આવેલ પોલીસ કંટ્રોલ રૃમમાં લઇ જવામાં આવ્યા હતા.પોલીસને તેઓએ પોતાના નામ દિક્ષીત સતિશભાઇ આર્યા (રહે. અશોકનગર વિસ્તાર, સોનીપત, હરિયાણા) તથા બીજાનું નામ તુષાર યોગેશભાઇ મદાન (રહે. અનશલ સુશાન્ત સિટિ,જી.પાનીપત) હોવાનું જણાવ્યું હતું. દિક્ષીતનો મોબાઇલ ફોન ચેક કરતા કોઈ એપ દ્વારા રન ફેર સેશનથી સોદાઓ કર્યા હોવાનું જણાઇ આવ્યું હતું.જરોદ પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી રોકડા ૧,૬૪૦ તથા બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૬૧,૬૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પશ્ચિમ વિંંગના ત્રીજા માળેથી રામજ્ઞાાન રોમપ્રસાદ બેનીવાલ( રહે. સિરોહી, તા.નિવાઇ,જી.ટોંક,રાજસ્થાન) પણ ચાલુ મેચ દરમિયાન મોબાઇલ પર સટ્ટો રમતા ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા મોબાઈલમાં ચેક કરતા ગૂગલ ક્રોમમા એક એપ્લીકેશનથી અલગ અલગ રન ફેર સેશનના સોદાઓ કર્યા હોવાનુ જાણવા મળ્યું હતું.પોલીસે રોકડા ૧,૨૨૦ અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ ૨૦,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે