બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ
કરોડીયાના ઇન્દિરા નગર ખાતે બૂટલેગર સહિતની ત્રિપુટી બીયરનો જથ્થો વેચી નાખે તે અગાઉ પોલીસે દરોડો પાડી બિયરના 436 નંગ ટીન સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
જવાહર નગર પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, કરોળિયા બુરબુલ ઇન્દિરા નગર ખાતે રહેતો ધર્મેન્દ્ર જાદવએ તેના ઘરે વેચાણ કરવા માટે દારૂનો જથ્થો રાખ્યો છે. તેના આધારે પોલીસે દરોડો પાડી ધર્મેન્દ્ર લક્ષ્મણસિંહ જાદવ (રહે - ઇન્દિરાનગર, કરોળિયા, બાજવા), કેયુર ભરતસિંહ રાઠોડ (રહે - જલધારા ટેનામેન્ટ ,કરોળિયા ,બાજવા) અને જીગ્નેશ ઉર્ફે જેકસો ભુપતભાઈ પરમાર (રહે - ઇન્દિરાનગર, કરોળિયા, બાજવા) ને ઝડપી પાડ્યા હતા. ઘરની તલાસી લેતા રસોડાના પ્લેટફોર્મ નીચે થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો દાહોદથી પવન નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂ. 50,140ની કિંમતના બિયરના 436 નંગ ટીન, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,140નો મુદ્દામાલ કબજે કર્યો હતો.