સોનાની દાણચોરીનો પર્દાફાશ દુબઇથી મોજામાં રૃા.૧.૮૧ કરોડનું સોનું છૂપાવીને લાવતા ત્રણ ઝડપાયા

વડોદરા, તા.14 દુબઇથી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાવડર સ્વરૃપે પગના મોજામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જતાં જ દુમાડ પાસે ગઇ રાત્રે ત્રણ શખ્સો રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. પોલીસે રૃા.૧.૮૧ કરોડની કિંમતનું સોનું, ઇ સિગારેટ અને દારૃની બોટલો કબજે કરી સોનાની દાણચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના કલાલી-બીલરોડ પર આવેલ ઓરોવિલા-૨ ખાતે રહેતો અશોક રમણભાઇ પ્રજાપતિ અલગ-અલગ વ્યક્તિઓને દુબઇ મોકલી કસ્ટમ એક્સાઇઝની ડયૂટી ના ભરવી પડે તે માટે લગેજ બેગમાં ચોરીથી સોનું સંતાડી ભારતમાં ઘૂસાડી સોનાની હેરાફેરી કરાવે છે તેમજ અશોકે મોકલેલા બે શખ્સો દુબઇથી સોનું લાવીને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ-એક્સપ્રેસ હાઇવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતરવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી.
દરમિયાન પોલીસની વિવિધ ટીમો ગઇ રાત્રે અલગ અલગ સ્થળે ગોઠવાઇને વોચ ગોઠવી હતી. ખાનગી વાહન આવતા તેમાંથી બે શખ્સો ઉતર્યા હતા અને બાદમાં એક શખ્સ બાઇક લઇને આવી ઊભો રહેતા પોલીસે ત્રણેને ઘેરી લીધા હતાં. ત્રણેના નામ પૂછતા અશોક પ્રજાપતિ, વિપુલ પટેલ અને હરિશચન્દ્ર સોલંકી જાણવા મળ્યું હતું. વિપુલ અને હરિશચન્દ્ર પાસેથી બે ટ્રોલીબેગ અને બે બેગપેક મળ્યા હતાં.
પોલીસે તેમની પાસેનો સામાન ચેક કરતાં બેગોમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ અને દારૃની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતાં. આ મોજામાં અંદરની સાઇડ સિલાઇ કરી સફેદ રંગની સેલોપેટમાં સંતાડી રાખેલ વસ્તુઓ મળી હતી. સેલોટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ પાવડર સ્વરૃપમાં પીળી ધાતું એટલે કે ગોલ્ડ પાવડર મળ્યો હતો. પોલીસે ૧ કિલો અને ૮૦૦ ગ્રામ રૃા.૧.૮૧ કરોડ કિંમતનું સોનું તેમજ રૃા.૧.૫૧ લાખ કિંમતની ઇ સિગારેટ અને દારૃની બોટલો કબજે કરી હતી.
સોનાની હેરાફેરીના આરોપી
- અશોક રમણભાઇ પ્રજાપતિ (રહે.ઓરોવિલા-૨, કલાલી-બીલરોડ, વડોદરા)
- વિપુલ દશરથભાઇ પટેલ (રહે.ઋષિકેશ રેસિડેન્સી, છાપરાભાઠારોડ, અમરોલી, સુરત)
- હરિશચન્દ્ર અરવિંદ સોલંકી (રહે.સરોજનગર, અલવાનાકા, માંજલપુર)
ફરાર સુબુરઆલમ ગૌરઆલમ રાજપુત (રહે.રખિયાલ, અમદાવાદ)








