વેચી દીધેલી કરોડોની જમીન ફરી વેચી ઠગાઇમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ
વડોદમાં પાવરદારે પ્લોટનું આયોજન કરી દસ્તાવેજ કરી આપ્યો, મૂળ માલિકનું અવસાન થયા બાદ વારસદારોએ અન્યને પાવર લખી આપ્યો
સુરત તા. 22 જુલાઇ 2020 બુધવાર
વદોડ ગામની કરોડો રૂપિયાની 6200 ચોરસ મીટર જમીનના મૂળ માલિકોએ પૂરેપૂરો અવેજ મેળવી એક વખત વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવા છતા અન્યને પાવર ઓફ એટર્ની લખી આપી તેનો સિવિલ કોર્ટમાં દાવામાં રજૂ કરી વિશ્વાસઘાત કરવાના પ્રકરણમાં પોલીસે બે મહિલા સહિતની ત્રણની ધરપકડ કરી છે.
વડોદ ગામના નવા બ્લોક નં. 43 પૈકી 2 (2) વાળી 6200 ચોરસ મીટર વાળી વડીલોપાર્જીત જમીનના મૂળ માલિક મુળચંદ બાલાભાઇ અને છગન બાલાભાઇએ મહેશચંદ્ર નવીનચંદ્ર મોરાવાલાને જમીનનો તમામ પ્રકારના વહીવટ કરવા માટે પાવર ઓફ એટર્ની લખી આપી હતી. જેના આધારે મહેશચંદ્રએ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી 73 પ્લોટનું આયોજન કર્યુ હતું. જે પૈકી 37 પ્લોટ જગદીશ નરસીભાઇ ભક્તાએ વર્ષ 2005માં અને 36 પ્લોટ રમેશ છોટુ પટેલે વર્ષ 2011માં પૂરેપૂરો અવેજ ચુકવી વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. જગદીશ અને રમેશે તેમની માલિકીના પ્લોટનો તમામ પ્રકારનો વહીવટ માટે ડૉ. મોહનસિંહ રૂપસિંહ કઠવાડીયા (ઉ.વ. 60 રહે. વનિતા રેસીડન્સી, જાનકી પાર્ક પાસે, અલથાણ) ને પાવર ઓફ એટર્ની લખી આપી હતી.
દરમ્યાનમાં વર્ષ 2005માં જમીનના મૂળ માલિક મુળચંદનું અવસાન થતા તેમના વારસદારનો ડો. મહેન્દ્રસિંહે સંર્પક કર્યો હતો. તે દરમ્યાન વારસદારોએ પ્લોટના દસ્તાવેજોને ધ્યાને લઇ કબુલાત લેખ લખી આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ વારસદારોએ જમીન પેટે વધુ રકમ પડાવવાના બદઇરાદે પ્રતીક જમુભાઇ પટેલ (રહે. 51, રંગ અવધૂત સોસાયટી, પાલનપુર પાટિયા) ના નામે પાવર લખી આપી વર્ષ 2011ના ડિસેમ્બર મહિનામાં સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ પ્રકરણમાં પાંડેસરા પોલીસે જમીનના મૂળ માલિક મુળચંદના વારસદારમાં તેની પુત્રી ગીતાબેન વિજય પટેલ (ઉ.વ. 46), દીના ઉર્ફે હીના વિજય પટેલ (ઉ.વ. 46 બંન્ને રહે. નવદુર્ગા ફળિયું, આભવા) અને પ્રવિણ મુળચંદ ખલાસી (ઉ.વ. 36 રહે. મંદિર ફળિયું, બુડીયા) ની ધરપકડ કરી છે.