વડોદરા, તા.1 પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો બારોબાર વગે કરવાના ચકચારભર્યા કૌભાંડમાં પોલીસે ગોડાઉનના મેનેજર સહિત ત્રણે કૌભાંડીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણમાં નેશનલ હાઇવે પર શિવવાડી પાછળના રોડ પરથી કરજણ પોલીસે એક આઇસર ટેમ્પો ઝડપી પાડયો હતો. ટેમ્પોમાં તપાસ કરતાં રેશનિંગ દુકાનમાં વેચાતો સરકારી અનાજનો જથ્થો હોવાથી આ અંગે ડ્રાઇવર કાનાભાઇ કાળુભાઈ મીરની પૂછપરછ કરતા તેણે પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી જથ્થો ભરાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
દરમિયાન પુરવઠા વિભાગ પણ જાગ્યું હતું અને પાદરા સરકારી અનાજના પાટોદ ખાતેના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરતાં ગોડાઉન મેનેજર અક્ષય ભાલચન્દ્ર પંડયાની સ્પષ્ટ સંડોવણી અનાજ વગે કરવામાં જણાઇ હતી. આ અંગેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના આધારે પરમ દિવસે કરજણ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદના આધારે પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય ભાલચન્દ્ર પંડયા (રહે.શ્રીજી ગોલ્ડ સોસાયટી, બંધન પાર્ટી પ્લોટ સામે, લક્ષ્મીપુરારોડ, સુભાનપુરા), ડ્રાઇવર કાનાભાઇ કાળુભાઇ મીર (રહે.શિવવાડી પાછળ, નેશનલ હાઇવે પાસે, જૂનાબજાર, કરજણ) અને અકરમ સલીમ સિંઘી (રહે.સોખડારાધુ ગામ, તા.પાદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેને કોર્ટમાં રજૂ કરતા ગોડાઉન મેનેજર તેમજ ડ્રાઇવર અકરમ સિંઘીને જેલમાં મોકલી દેવાયો હતો જ્યારે અન્ય ડ્રાઇવર કાનાભાઇ મીરને એક દિવસનો રિમાન્ડ મળ્યો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય એક વ્યક્તિનું પણ નામ ખૂલતા તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


