સાયબર ફ્રોડ કરનારને બેંક એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં ત્રણ ઝડપાયા

વડોદરા,સાયબર ફ્રોડ કરતા આરોપીઓને નાણાંકીય વ્યવહારો માટે બેંક એકાઉન્ટ પૂરા પાડવાનો કિસ્સો બહાર આવ્યો છે. તાલુકાને પોલીસે ત્રણને ઝડપી પાડી કાર, એ.ટી.એમ. કાર્ડ,ચેકબૂક, અલગ - અલગ પેઢીના સિક્કા, ક્યુ આર કોડ સ્કેનર મશીન, પાંચ મોબાઇલ ફોન મળી કુલ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી હતી. તેની પાસેથી અલગ - અલગ બેંકના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.જે કબજે લઇ પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેની સાથે મદદગારીમાં સોહિલખાન ફિરોજખાન પઠાણ તથા મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલા પણ સામેલ છે. જેથી, પોલીસ તેઓને પણ પકડી લાવી હતી. ત્રણેયની પૂછપરછ કરતા એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, ગરીબ લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક, પાસબૂક, એ.ટી.એમ. કાર્ડ સાથેની કીટ એન્થની નામના વ્યક્તિને મોકલી આપતા હતા. આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા હતા. આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળી આવ્યા છે. જેથી, તેઓએ ખોટી રીતે ૪૧૬ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તાલુકા પી.આઇ. વી.એમ. ટાંકે (૧) લીગલ ડોક્યુમેન્ટ્સનો ધંધો કરતા અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણ (રહે.ચિશ્તિયા નગર, છાણી જકાતનાકા) (૨) પ્રોપર્ટી ડિલર સોહિલખાન ફિરોજખાન પઠાણ (રહે. દેતુલ સુકૂન એપાર્ટમેન્ટ, વાડી) તથા (૩) ફાર્મસીમાં નોકરી કરતા મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલા (રહે. સ્વામિ નારાયણ મંદિર સામે, વાડી) ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.








