પિટ એક્ટ હેઠળ ડ્રગ્સ અને ગાંજાના કારોબારમાં સંકળાયેલા ત્રણની અટકાયત
પાદરા તાલુકાનો સલામત પોરબંદર, અનવર રાજકોટ અને વલણના જાવીદને જુનાગઢ જેલમાં ધકેલાયો
વડોદરા, તા.10 વડોદરા શહેર અને જિલ્લામાં તેમજ ભરૃચ જિલ્લામાં ગાંજો તેમજ ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા અને વારંવાર ઝડપાયા બાદ પણ નશાના કારોબારમાં સંકળાયેલા કરજણ અને પાદરા તાલુકાના ત્રણ શખ્સોની પાસા જેવા કાયદા પીટ એક્ટ હેઠળ અટકાયત કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે એનડીપીએસ ગુનામાં ધરપકડ થયેલા અને જામીન મળ્યા બાદ પણ ફરીથી નશાકારક દ્રવ્યોનું વેચાણ કરતા ત્રણ શખ્સો સામે પ્રિવેન્શન ઓફ ઇલિક્ટ ટ્રાફિકિંગ (પીટ) એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે ત્રણેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ એક્ટ હેઠળ બે વર્ષ સુધી જેલમાં રહેવું પડે છે અને જો ફરીથી આ ધંધા સાથે પકડાય તો તેઓની પ્રોપર્ટી પણ સરકાર કબજે કરી શકે છે.
જિલ્લા પોલીસ દ્વારા જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સલામતઅલી ઉર્ફે સલીમ હસનઅલી સૈયદ (રહે.વડુ, તા.પાદરા)નો સમાવેશ થાય છે. તેની સામે પાંચ ગુના નોંધાયા છે તેમજ તેની અટકાયત કરીને પોરબંદર જેલમાં મોકલાયો છે. જ્યારે અનવર ઉર્ફે સુરતી કાસમભાઇ શેખ (રહે.ભોજરોડ, વડુ) સામે ત્રણ ગુના નોંધાયા છે તેની અટકાયત કરી રાજકોટ જેલમાં તેમજ બે ગુનાના આરોપી જાવીદ ઉર્ફે જાવેદ ઉસ્માન કડુ (રહે.ગૃહનિર્માણ સોસાયટી, વલણ, તા.કરજણ)ની અટકાયત કરીને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલી દીધો છે.