અમદાવાદ પૂર્વમાં સવા 3 ઇંચ વરસાદ અને હાડમારી 10 ઇંચ જેટલી! પાણી ઘરમાં ઘુસતાં ઘરવખરી પલળી
Rain in Ahemdabad : અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. બે દિવસમાં પૂર્વ અમદાવાદના ચાર ઝોનમાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ માંડ વરસ્યો હશે, ત્યાં જ લોકો માટે જાણે કે એકસાથે 10 ઇંચ વરસાદ વરસી ગયો હોય, એટલી હાડમારી પેદા થઇ છે. ખાસ કરીને રસ્તા પર ભરાયેલા પાણીથી ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. આકસ્મિક આવી પડેલી આફત સામે મ્યુનિ.કોર્પોરેશન તંત્ર સંપૂર્ણ ઉંઘતું ઝડપાયું છે. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઇ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. સામાન્ય રીતે વરસાદી પાણી ગટરમાં વહી જતાં હોય છે, પરંતુ ઓઢવ, ખોખરા, નિકોલ જેવા વિસ્તારોમાં તો ઉલટાનું ગટરમાંથી દૂષિત અને વરસાદી પાણી બહાર નીકળીને રોડ પર ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જવાના કારણે અનેક નાના વાહનો બંધ પડી ગયા હતા. વરસાદ બંધ થયા પછી પણ લાંબા સમય સુધી માર્ગો પર રહેલા વરસાદી પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. રસ્તા પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
સ્માર્ટ સિટી અમદાવાદના હૃદય સમાન મણિનગરના વલ્લભવાડી વિસ્તારમાં વર્ષોથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે, તંત્ર લુખ્ખા આશ્વાસનો આપે છે, પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. રામબાગ, કૃષ્ણબાગ તરફથી આવતા પાણી અહીં ભરાઈ જતા હોવાનું લોકોએ જણાવ્યું છે. વસ્ત્રાલમાં કર્ણાવતી ચોકડીથી નિરાંત ચોકડી સુધીના રસ્તા પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા.
નિકોલમાં બારેમાસ ગટર ઉભરાવા માટે કુખ્યાત ગોપાલ ચોક અને જીવનવાડીમાં તો માર્ગો પર રીતસરની નદીઓ વહી નીકળી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શાહીબાગ વોર્ડના ગિરધરનગર બ્રિજની પાસે અને નીચેના રસ્તા પર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા હતા. અહીં ગટરની લાઈનો અને વરસાદી પાણીના નિકાલની સંખ્યાબંધ કેચપિટ ભરાયેલી હોવાની ફરિયાદો અનેક વખત લોકોએ કરી છે. પરંતુ મ્યુનિ. દ્વારા સફાઈમાં ધ્યાન નહીં અપાતા રસ્તા પર પાણી ભરાયા છે. કમોસમી વરસાદમાં આવી હાલત હોય તો ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાશે? તે સવાલ લોકોને સતાવી રહ્યો છે. પૂર્વ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગટર લાઈન અને વરસાદી પાણીની લાઈનની અયોગ્ય વ્યવસ્થાના કારણે વરસાદી પાણી ભરાયા હતા.
લાંભાના ઈન્દિરાનગરમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરી પલળી ગઈ
લાંભા વોર્ડના ઈન્દિરાનગર વિભાગ-2માં જૈન મંદિરની સામે આજે વરસાદી પાણી રીતસર લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. જેના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ઘર નં. 545થી 209ની સિરિઝમાં રહેતા લોકો કફોડી હાલતમાં મૂકાઈ ગયા હતા. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની ગંભીર બેદરકારીના માઠા પરિણામો લોકોએ ભોગવવાનો વારો આવે છે.
ઓઢવ ફાયર સ્ટેશન વિસ્તારમાં 400થી 500 મીટરમાં કાળા રંગના પાણી ભરાયા!
ઓઢવના ફાયર સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે સાડા આઠેક વાગ્યે વરસેલા વરસાદના કારણે માર્ગો પર 400થી 500 મીટર જેટલા વિસ્તારમાં કાળા રંગના પાણી ભરાયા હતા! આ પાણી વરસાદનું છે. ગટરમાંથી ઉભરાયેલું છે કે પછી કેમિકલવાળુ દૂષિત પાણી બહાર આવ્યું છે? તેને લઈને લોકોમાં સવાલો ઉઠ્યા છે. રસ્તા પર દોઢથી બે ફુટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા.