Gujarat

રાંધેજા ગામમાં મારામારીના ગુનામાં ત્રણ આરોપીને એક વર્ષની કેદની સજા

By GS TEAM
7 Oct 20252 mins read
રાંધેજા ગામમાં મારામારીના ગુનામાં ત્રણ આરોપીને એક વર્ષની કેદની સજા

ત્રણ વર્ષ અગાઉ બનેલી ઘટનામાં કોર્ટનો ચુકાદો

ઘસાઈને નીકળવા જેવી નજીક બાબતમાં મારામારી થઈ હતી ઃ સુનવણી દરમિયાન એક આરોપીનું મોત પણ થયું

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં ત્રણ વર્ષ અગાઉ ઘસાઈને નીકળવા જેવી નજીવી બાબતમાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જે સંદર્ભે ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી જતા ચાર પૈકી ત્રણ આરોપીઓને એક વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. સુનવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૦ માર્ચ ૨૦૨૨ના રોજ રાંધેજા ગામમાં રહેતા ભરતજી રમતુજી ઠાકોર લીમડાના ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન વિષ્ણુજી રણછોડજી ઠાકોર તેમને ઘસાઈને નીકળ્યા હતા. જેના પગલે ભરતજીએ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ વિષ્ણુજી દ્વારા ગાળો બોલી અને પોતાના ભાઈ દલાજીને બોલાવ્યા હતા ત્યારે આરોપીઓ દલાજી રણછોડજી ઠાકોર, રાજુજી રણછોડજી ઠાકોર, અને કિસ્મતજી ગગાજી ઠાકોર સહિતનાઓએ ભરતજી તથા તેમના માતા-પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડીના ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો. ભરતજીના પિતા રમતુજી ઠાકોરને માથાના ભાગે ઇજા થઈ હતી અને જમણા પગના પંજામાં ફ્રેક્ચર પણ થયું હતું. જેથી આ સંદર્ભ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપી વિષ્ણુજીનું મોત પણ થયું હતું ત્યારે સરકારી વકીલ સુનિલ એસ. ચૌધરી દ્વારા કોર્ટમાં જરૃરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા દ્વારા ત્રણ આરોપી દલાજી રણછોડજી ઠાકોર, રાજુજી રણછોડજી ઠાકોર, અને કિસ્મતજી ગગાજી ઠાકોરને એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.