Gujarat

તાંદલજામાં વેપારીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર ત્રિપુટી અજમેરથી પકડાઇ,રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

By GS TEAM
6 Apr 20261 min read
તાંદલજામાં વેપારીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર ત્રિપુટી અજમેરથી પકડાઇ,રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

વડોદરાઃ તાંદલજા વિસ્તારના વેપારીને ચપ્પુ બતાવી લૂંટી લેવાના બનાવમાં ફરાર થઇ ગયેલા ત્રણેય લૂંટારાને જે પી રોડ પોલીસે અજમેરથી ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.

તાંદલજાની તૈયબા હાઇટ્સમાં રહેતા વેપારી હુસૈન સાહેરવાલા ગઇ તા.૧લીએ સાંજે દુકાનનો રૃ.સાડા ત્રણ લાખનો વકરો લઇ સ્કૂટર પર ઘરતરફ જઇ રહ્યા હતા ત્યારે મહારાજા ચારરસ્તા પાસે સ્કૂટર પર આવેલા ત્રણ લૂંટારાએ તેમને આંતરી ચપ્પુની અણીએ રોકડ અને મોબાઇલ લૂંટી લીધા હતા.

આ બનાવ બાદ જે પીરોડના પીઆઇ એનજે સોહાગીયાએ જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ,ટેકનિકલ સર્વેલન્સ અને શકમંદોની તપાસ કરતાં ત્રણેય લૂંટારા ઓળખાઇ ગયા હતા.પોલીસે તેમનો સતત પીછો કરી અજમેર ખાતેથી ઝડપી પાડયા હતા.

પકડાયેલાઓમાં અયાન ઉર્ફે લાલા એઝાઝ શેખ(રૃમાના-૧ સોસાયટી,તાંદલજા), મિઝાનખાન મહેમુદખાન (જાકીરા ફ્લેટ્સ, આદિલ પાર્ક પાસે,તાંદલજા) અને અઝાદ તલ્હા ભટ્ટી(ફાઇઝા કોમ્પ્લેક્સ,તાંદલજા)નો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી રોકડા રૃ.૧.૦૧ લાખ,સ્કૂટર અને મોબાઇલ કબજે કરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

ત્રણ દિવસથી રેકી કરતા હતા,લૂંટ કર્યા બાદ રાજસ્થાન ફરવા નીકળી ગયા

વેપારીને ચપ્પુ બતાવી લૂંટી લેવાના બનેલા બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીની રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં તેઓ ત્રણેક દિવસથી રેકી કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી.ત્રણેય આરોપીઓ તા.૧લીએ સાંજે લૂંટ કર્યા બાદ રાજસ્થાન ફરવા નીકળી ગયા હતા અને ત્યાંથી અજમેર જતાં પકડાઇ ગયા હતા.ગયા હતા.જેથી તેઓ કેવી રીતે ગયા અને ક્યાં રોકાયા હતા તે મુદ્દે પોલીસ પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરશે.