Get The App

ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ 1 - image


Bharuch Accident : ભરૂચ જિલ્લામાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજવા સાથે ત્રણ વ્યક્તિઓને ઓછીવતી ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજપીપળા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ  નેશનલ હાઇવે નં.48 ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે 24 વર્ષીય અલમબીરસિંઘ સુખરાજસિંઘ (રહે-પંજાબ)નું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મદદે દોડી આવેલ લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને ગળખોલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

સાયકલ સવાર વ્યક્તિને ફંગોળી અજાણ્યો કારચાલક ફરાર

વાલીયા તાલુકાના દોલતપુર ખાતે રહેતા 47 વર્ષીય રમણભાઈ વસાવા ગઈ તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે સાયકલ લઇ સીલુડી ચોકડી પાસે ઇન્દિરા કોલોની તરફ પસાર થઈ રહ્યા હતા તે વખતે અજાણ્યો કાર ચાલક તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત રમણભાઈને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરિયાદના આધારે વાલીયા પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.

બાઈક સવાર બે ભાઈઓને અડફેટ લઈ કારચાલક મહિલા ફરાર

ગઈ તા.28 ઓગસ્ટના રોજ સવારે વિજય કુમાર ભરવાડ પિતરાઈ રણછોડભાઈ ભરવાડ(બને રહે-મીરા તલાવડી, સંજાલી, અંકલેશ્વર) સાથે બાઈક લઈ ભરૂચ આરટીઓ કચેરી ખાતે જવા નીકળ્યા હતા. રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નં-48 ઉપર અંબિકા ટાટા શોરૂમ પાસે એક મહિલા કાર ચાલકે ઓવરટેક કરતાં સમયે તેમની બાઈકને અડફેટ લેતા બંને વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કારચાલક બહેનને ઇજાગ્રસ્તે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાનું કહેતા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેમ કહી નાસી છૂટ્યા હતા. ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :