રૂ.3.10 લાખના હીરાના પેમેન્ટને બદલે ધમકી, હાથ ટાંટીયા તોડીને હાથમાં આપી દઈશ
કતારગામ જેરામ મોરારની વાડીમાં ઓફિસ ધરાવતા વેપારી પાસેથી છાપરાભાઠા રોડના અક્ષર લખાણીએ પેમેન્ટ પેટે આપેલા ચેક રીર્ટન થયા હતા
મારી પોલીસમાં બહુ મોટી ઓળખાણ છે એક ફોન કરીશ તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ : ત્રણ મહિના પહેલા રૂ.82 લાખની ઠગાઈની ફરિયાદ પણ નોંધાયેલી છે
- કતારગામ જેરામ મોરારની વાડીમાં ઓફિસ ધરાવતા વેપારી પાસેથી છાપરાભાઠા રોડના અક્ષર લખાણીએ પેમેન્ટ પેટે આપેલા ચેક રીર્ટન થયા હતા
- મારી પોલીસમાં બહુ મોટી ઓળખાણ છે એક ફોન કરીશ તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ : ત્રણ મહિના પહેલા રૂ.82 લાખની ઠગાઈની ફરિયાદ પણ નોંધાયેલી છે
સુરત, : કતારગામ જેરામ મોરારની વાડીમાં ઓફિસ ધરાવતા વેપારી પાસેથી છાપરાભાઠા રોડના વેપારીએ રૂ.3.10 લાખના હીરા ખરીદી પેમેન્ટ કરવાને બદલે હાથ ટાંટીયા તોડીને હાથમાં આપી દેવાની અને મારી પોલીસમાં બહુ મોટી ઓળખાણ છે એક ફોન કરીશ તો તને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ધમકી આપનાર વેપારી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં રૂ.82 લાખના રફ હીરા લઈ જઈ પરત નહીં કરતા ત્રણ મહિના અગાઉ પણ ગુનો નોંધાયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદીરની બાજુમાં શિવદર્શન સોસાયટી ઘર નં.37 માં રહેતા 29 વર્ષીય સાગરભાઈ વજુભાઇ ઇસામલીયા કતારગામ જેરામ મોરારની વાડી કષ્ટભંજનદેવ બિલ્ડીંગના ત્રીજા માળે હીરાની ઓફિસ ધરાવે છે.તેમના સંબંધી પ્રવીણભાઈ નારોલા મારફતે સંપર્કમાં આવેલો વેપારી અક્ષર ભુપતભાઇ લખાણી ( રહે.એચ-103, રાધિકા રેસીડેન્સી, પી.એમ.બી. મોલની સામે, છાપરાભાઠા રોડ, વરીયાવ રોડ, સુરત ) ગત 24 ઓક્ટોબર 2024 ના રોજ તેમની ઓફિસે આવી રૂ.3,10,066 ની મત્તાના 100.72 કેરેટ હીરા 11 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કરી લઈ ગયો હતો.11 દિવસ બાદ તેણે પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા તે સાગરભાઈએ તેના કહ્યા મુજબ 21 જાન્યુઆરીએ જમા કર્યા તો રિટર્ન થયા હતા.
આથી સાગરભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરી હતી.તે સમયે અક્ષરે ધમકી આપી હતી કે મારી પોલીસમાં બહુ મોટી ઓળખાણ છે એક ફોન કરીશ તો તને ખોટા કેસમાં ફસાવી દઈશ અને જો ઉઘરાણી કરવા માટે આવીશ તો તારા હાથ ટાટીયા તોડીને હાથમા આપી દઈશ.આજદિન સુધી પેમેન્ટ નહીં કરનાર અક્ષર વિરુદ્ધ સાગરભાઈએ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ધમકી આપનાર અક્ષર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં રૂ.82 લાખના રફ હીરા લઈ જઈ પરત નહીં કરતા ત્રણ મહિના અગાઉ પણ ગુનો નોંધાયો હતો.વધુ તપાસ પીએસઆઈ આર.ડી.પલાસ કરી રહ્યા છે.