Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. પોલીસનો કાફલો તરત જ હાઇકોર્ટ ધસી આવ્યો હતો.
અગાઉ ક્યારે ધમકી મળી હતી?
માહિતી અનુસાર ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત છે જ્યારે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં આ ધમકી બાદ પણ હાઇકોર્ટમાં કામગીરી તો નિયમિત રીતે ચાલતી રહી હતી. છેલ્લે ઑગસ્ટમાં ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ નવમી જૂન 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટને મળેલા ઈ-મેલમાં IED બ્લાસ્ટ ધમકી આપવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે FIR નોંધી અને સાયબર સેલે ઈ-મેલના મૂળની તપાસ શરુ કરી હતી. તપાસમાં ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું. 24મી જૂન 2025ના રોજ રેની જોશિલ્ડા નામના ઈ-મેલ આઇડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તપાસમાં ચેન્નાઈની એક મહિલાની ધરપકડ કરી હતી, જેણે વ્યક્તિગત કારણોસર આવી ધમકીઓ મોકલી હોવાનું કબૂલ્યું. જ્યારે 20મી ઑગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ પોલીસે હાઇકોર્ટના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.


